છ દાયકા બાદ રાજ્યભરમાંથી કોંગ્રેસનો કાંકરો નીકળી જશે

26 જૂને ભાજપના 3 અને કોંગ્રેસના છેલ્લા સાંસદ શક્તિસિંહ ગોહિલની મુુદ્દત પૂરી ભાજપના રામભાઇ મોકરિયા, રમીલાબેન બારા અને નરહરિ અમીન પણ થશે નિવૃત્ત, રીપીટ થાની…

26 જૂને ભાજપના 3 અને કોંગ્રેસના છેલ્લા સાંસદ શક્તિસિંહ ગોહિલની મુુદ્દત પૂરી

ભાજપના રામભાઇ મોકરિયા, રમીલાબેન બારા અને નરહરિ અમીન પણ થશે નિવૃત્ત, રીપીટ થાની શકયતા ઓછી

છેલ્લાં કેટલાક વર્ષોથી કોંગ્રેસ મુક્ત ભારતની ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા વચ્ચે રાજ્યસભા ગુજરાત કોંગ્રેસ મુક્ત થવાની છે. 21 જૂનના રોજ રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસના છેલ્લાં સાંસદ શક્તિસિંહ ગોહિલ નિવૃત થઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ પાસે રાજ્યસભાની ચૂંટણી લડવા માટે પૂરતું સંખ્યાબળ નહી હોવાથી હવે એકપણ સાંસદ રાજ્યસભામાં ચૂંટાશે નહી. તેથી ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ ન હોય તેવો ઈતિહાસ પ્રથમ વખત લખાવા જઈ રહ્યો છે.

ગુજરાતની ચાર સહિત દેશની રાજ્યસભાની 26 બેઠકોની મુદત જૂન મહિનામાં પૂર્ણ થઈ રહી છે. નવા સાંસદો ચૂંટવા માટે એકાદ મહિનામાં ચૂંટણીનું એલાન થાય તેવી શક્યતા છે. મે નાં ઉતરાર્ધ અથવા જૂનના પ્રારંભે ચૂંટણી થાય તેવી સંભાવના છે. ગુજરાતમાંથી ચાર સાંસદો નિવૃત થશે. ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાય તેવા સ્પષ્ટ સંજોગો છે.

રાજ્યસભામાં ભાજપના નરહરિ અમીન, રામ મોકરીયા, રમીલાબેન બારા અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ નિવૃત થઈ રહ્યા છે. તેમની મુદત 21 જૂન સુધીની છે. ભાજપ ત્રણેય સાંસદમાંથી કોઈને રિપિટ કરે તેવી શકયતા નહિવત છે.

ભાજપના વર્તમાન ત્રણ સાંસદો પૈકી રિપિટ થવાની શકયતા નહિવત છે. ચારેય બેઠકો પર ભાજપ બિનહરીફ ચૂંટાય તેવા સ્પષ્ટ સંજોગો છે. કોંગ્રેસ પાસે રાજયસભાની ચૂંટણી લડવા માટે પૂરતું સંખ્યાબળ નથી. ગુજરાતમાંથી રાજયસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ જ ન હોય તેવું પ્રથમ વખત બનશે.

ગુજરાતની સ્થાપના થયાના 66 વર્ષ બાદ પ્રથમ વખત એવું બનશે કે આગામી સમયમાં ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ જ નહીં રહે. હાલમાં વિધાનસભામાં કોંગ્રેસના માત્ર 12 ધારાસભ્યો છે તેથી કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર મૂકવા સક્ષમ પણ નથી. તેથી ચારેય સભ્યો ભાજપના જ ચૂંટાશે.
રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠકો છે. હાલમાં ભાજપમાંથી કેન્દ્રીય મંત્રીઓ જે.પી.નડ્ડા અને એસ જયશંકર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મયંક નાયક, દક્ષિણ ગુજરાતના ગોવિંદ ધોળકિયા, મધ્ય ગુજરાતના જશવંતસિંહ પરમાર, ઉત્તર ગુજરાતના બાબુ દેસાઈ, સૌરાષ્ટ્રના કેસરીદેવસિંહ ઝાલા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

ગુજરાત બહારથી બે સાંસદો હોવાથી હવે બહારના કોઈને ગુજરાતમાંથી રાજ્યસભામાં લઈ જવામાં આવે તેવી શકયતા ઓછી છે. ભાજપ જ્ઞાતિ સમીકરણ, ભૂગોળ વગેરે ધ્યાને રાખી નવી પસંદગી કરતું હોય છે. ભાજપ અનેક વખત આશ્ચર્યજનક નામોની પસંદગી કરી ચૂક્યું છે. ગુજરાતના ત્રણ સાંસદો કેસરીદેવસિંહ ઝાલા, બાબુ દેસાઇ અને એસ. જયશંકર ઓગષ્ટ 2029માં નિવૃત થશે.

દર 2 વર્ષે 250 માંથી 1/3 સાંસદોની ચૂંટણી
ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો છે. જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન નથી થતું. જ્યારે એક સાથે ચુંટણી પણ થતી નથી. રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયું છે કે દર 2 વર્ષે 250 માંથી 1/3 સાંસદોની ચુંટણી યોજાય છે. રાજ્યસભાના સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે.

રાજ્યસભામાં ભાજપના રિપીટ કરાયેલા નેતાઓ
અરુણ જેટલી -2000-2006 અને 2006-2012 અને 2012-2018
પુરૂષોત્તમ રૂપાલા-2008-2014 અને 2016-2018 અને 2018-2024
મનસુખ માંડવિયા-2012-2018 અને 2018-2024
સ્મૃતિ ઈરાની-2011-2017 અને 2017-2019
અનંત દવે- 1990-1996 અને 1996-2002
ગોપાલસિંહ સોલંકી 1990-96 અને 1996-2002
જનસંઘમાંથી રાજ્યસભામાં ગયેલાં સાંસદો
એલ.કે.અડવાણી જનસંઘ 1976-82
ડી.કે.પટેલ જનસંઘ 1970-76