લોધિકામાં ખનીજ માફિયાઓ ઉપર SOGના દરોડા, 1 કરોડનો મુદ્દામાલ કબજે

રાજકોટ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર ખનીજ ચોરી ઉપર રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડા પાડી કુલ રૂ.1,04,50,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ડવાજડી ગામના વાગુદળ રોડ પર…

રાજકોટ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર ખનીજ ચોરી ઉપર રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડા પાડી કુલ રૂ.1,04,50,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ડવાજડી ગામના વાગુદળ રોડ પર આવેલા ’ઓમ કોંક્રિટ’ અને પિપળીયા પાળ ગામની સીમમાં મોરમ (તાસ)નું ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું હતું.

રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરની સૂચના અને માર્ગદર્શન હેઠળ, ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાએ ખનીજ માફિયાઓ વિરૂદ્ધ લાલ આંખ કરી છે. એસ.ઓ.જી. ટીમે ખાણ-ખનીજ વિભાગને સાથે રાખીને મેટોડા જી.આઈ.ડી.સી. અને લોધીકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડી ગેરકાયદે ખનન, સંગ્રહ અને વહન પ્રવૃત્તિ ઝડપી પાડી છે.

એસ.ઓ.જી. ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે, લોધીકા તાલુકાના વડવાજડી ગામના વાગુદળ રોડ પર આવેલા ‘ઓમ કોંક્રિટ’ નામના એકમમાં ખાણ-ખનીજ વિભાગ સાથે રાખી રેઇડ કરવામાં આવી હતી.

અહીં રોયલ્ટી વિના ગેરકાયદેસર રીતે રેતી અને કપચીનો સંગ્રહ તથા વહન કરવામાં આવી રહ્યું હતું. આ સ્થળેથી એક ટાટા સિગ્ના ડમ્પર (કિંમત રૂ. 30 લાખ), 40 ટન બ્લેક ટ્રેપ કપચી, 100 ટન સંગ્રહીત રેતી અને 150 ટન સંગ્રહીત કપચી મળી કુલ રૂા.34 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ખાણ-ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે.

બીજા એક દરોડામાં, લોધીકા તાલુકાના પિપળીયા પાળ ગામની સીમમાં મોરમનું ગેરકાયદેસર ખનન અને વહન થતું ઝડપી લેવાયું હતું. આ પ્રવૃત્તિ લીઝ ધારક રાજકોટ વાવડીના વિજયપાલસિંહ બલવંતસિંહ ચુડાસમા દ્વારા નિયમો વિરૂદ્ધ કરવામાં આવી રહી હતી. અહીંથી એક જે.સી.બી. મશીન એક ડમ્પર અને આશરે 100 ટન મોરમ મળી કુલ રૂા. 70,50,000 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.