ભુજની પાલારા જેલમાં હત્યાના બે કેદીનો જેલ સહાયક પર હુમલો

સરહદી કચ્છ જિલ્લાની હાઈસિક્યોરિટી ગણાતી ભુજની પાલારા જેલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેલમાં હત્યાના ગુનામાં કેદ બે કાચા કામના કેદીઓએ ફરજ પર તૈનાત…

સરહદી કચ્છ જિલ્લાની હાઈસિક્યોરિટી ગણાતી ભુજની પાલારા જેલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેલમાં હત્યાના ગુનામાં કેદ બે કાચા કામના કેદીઓએ ફરજ પર તૈનાત જેલ સહાયક પર અચાનક હુમલો કરી તેમને લોહી લુહાણ કરી નાખ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેલ સહાયક પ્રીતેશભાઈ વડવિયા જેલના સર્કલમાં પોતાની નિયમિત ફરજ બજાવી રહ્યા હતા.

તે દરમિયાન કોઠારા પોલીસ મથકે નોંધાયેલા એક હત્યાના ગુનામાં કેદ આરોપી કેદી સજ્જનસિંહ હરવંતસિંહ રાયશી અને વિજયસિંહ મલકીતસિંહ રાયશીએ અગમ્ય કારણોસર પ્રીતેશભાઈ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં જેલ સહાયક પ્રીતેશભાઈને કાનના નીચેના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક જેલ પ્રશાસન દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આરોપીઓએ કયા કારણોસર હુમલો કર્યો અને હુમલામાં કયા હથિયાર કે વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે વિગતો હજુ સુધી સત્તાવાર રીતે બહાર આવી નથી. હાલમાં જેલ પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ અંગે વિધિવત ગુનો નોંધાયા બાદ હુમલા પાછળનું અસલી કારણ બહાર આવશે.