હાઇવે વચ્ચે બંધ ટેન્કર પાછળ કાર ધૂસી જતાં કેશોદના સિંગરનું મૃત્યુ

રાજકોટ-અમદાવાદ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. કેશોદના ગંગનાથ પરા વિસ્તારમાં રહેતા 23 વર્ષીય આશાસ્પદ યુવક અને ગુજરાતી લોકગાયક કિશન કુમાર રતનજીભાઈ સોલંકીનું માર્ગ…

રાજકોટ-અમદાવાદ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. કેશોદના ગંગનાથ પરા વિસ્તારમાં રહેતા 23 વર્ષીય આશાસ્પદ યુવક અને ગુજરાતી લોકગાયક કિશન કુમાર રતનજીભાઈ સોલંકીનું માર્ગ અકસ્માતમાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, કિશન કુમાર પોતાના કામકાજ અર્થે પોતાની કાર લઈને કેશોદથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક પંપની બરાબર સામે રોડની વચ્ચે એક ટેન્કર બંધ હાલતમાં ઊભું હતું. પૂરઝડપે આવી રહેલી કિશનની કાર આ બંધ પડેલા ટેન્કરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ટેન્કરની નીચે ઘૂસી ગયો હતો અને કારનો બુકડો બોલી ગયો હતો.

આ ભયાનક અકસ્માતમાં કિશનને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ગળું કપાઈ જવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કારના પતરાં ખરાબ રીતે વળી ગયા હોવાથી મૃતદેહ અંદર ફસાઈ ગયો હતો. પોલીસ અને સ્થાનિક લોકોએ અંદાજે દોઢ કલાક સુધી ભારે જહેમત ઉઠાવી, કારના પતરાં તોડીને કિશનના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મૃતક કિશન કુમાર ગુજરાતી સિંગર હતો અને હાર્મોનિયમ પણ વગાડતો હતો. સંગીત ક્ષેત્રે કામકાજ અર્થે અમદાવાદ જતો હતો.

પરિવારમાં તે ચાર બહેનો વચ્ચે એકનો એક અને સૌથી નાનો ભાઈ હતો. આ ઉપરાંત, કિશન હાલ એક યુવતી સાથે મૈત્રી કરાર (લિવ-ઇન રિલેશનશિપ) થી રહેતો હોવાનું પણ જાણવા મળ્યું છે. આશાસ્પદ યુવાનના અકાળે અવસાનથી ચાર બહેનોએ પોતાનો વહાલસોયો ભાઈ ગુમાવ્યો છે, જેને પગલે સોલંકી પરિવાર અને કેશોદ પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.