સાણંદમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો! ભુવા બનવા માટે પિતાએ જ 10 વર્ષના પુત્રની કરી હત્યા

  સાણંદના વિંછીયા ગામમાંથી અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પિતાએ અંધશ્રદ્ધા અને ભૂવા બનવાની માન્યતામાં પોતાના જ 10 વર્ષના માસૂમ દીકરાની…

 

સાણંદના વિંછીયા ગામમાંથી અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પિતાએ અંધશ્રદ્ધા અને ભૂવા બનવાની માન્યતામાં પોતાના જ 10 વર્ષના માસૂમ દીકરાની નિર્મમ હત્યા કરી નાખી છે. હત્યા કર્યા બાદ પિતા પુત્રના મૃતદેહને ખાટલામાં મૂકીને તેની બાજુમાં જ નિરાંતે સૂઈ ગયો હતો.આ અંગે જાણ થતા માતા ઘરે પહોંચી હતી. સમગ્ર મામલે માતાએ સાણંદ પોલીસ સ્ટેશન હત્યાનો ગુનો નોંધાવ્યો છે.

ઘટનાની વિગત મુજબ, વિંછીયા ગામમાં રહેતા 37 વર્ષીય ભારતીબેન પટેલનો દસ દિવસ અગાઉ તેમના પતિ નરેશ પટેલ સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન નરેશે ભારતીબેનને માર મારતા તેઓ કંટાળીને પોતાના પિયર જતા રહ્યા હતા. જોકે, એકના એક દીકરા કરણની પરીક્ષા હોવાથી તેને પિતા પાસે જ મૂક્યો હતો.

દરમિયાન 1 નવેમ્બરની સાંજે ભારતીબેનને પાડોશીનો ફોન આવ્યો હતો કે તેમના પતિએ દીકરા કરણને લાકડીથી માર માર્યો છે. આ સમાચાર મળતા જ ભારતીબેન પરિવારજનો સાથે તાત્કાલિક વિંછીયા દોડી આવ્યા હતા.

રાત્રે આશરે 9 વાગ્યે ઘરે પહોંચેલા ભારતીબેને માતાની દેરી પાસે ખાટલામાં પોતાના દીકરાને લોહીલુહાણ હાલતમાં જોયો હતો. જ્યારે બાજુના ખાટલામાં પતિ નરેશ લોહીવાળાં કપડાં સાથે સૂતો હતો. દીકરાના મોત અંગે પૂછતાં નરેશે ચોંકાવનારી કબૂલાત કરી હતી.

નરેશે જણાવ્યું હતું કે, તેના પિતા માતાજીના ભૂવા હતા અને તેમના પછી તે પોતે ભૂવો બન્યો હતો. હવે પોતાના પછી ઘરમાં કોઈ ભૂવો ન બને તે માટે તેણે દીકરા કરણને બંને પગેથી પકડીને માતાજીની દેરી આગળ બે-ત્રણ વખત પછાડ્યો હતો અને ત્યારબાદ માથામાં લાકડીના ફટકા મારી તેની હત્યા કરી હતી.

આ ચોંકાવનારી હકીકત સામે આવતા પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં સાણંદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો અને માતા ભારતીબેનની ફરિયાદના આધારે પિતા નરેશ પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંધશ્રદ્ધાની આડમાં એક પિતાએ પોતાના જ દસ વર્ષના માસૂમ પુત્રનો જીવ લઈ લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.