Site icon Gujarat Mirror

ભાવનગરમાં નવાપરા ફાયરિંગ પ્રકરણમાં ઝડપાયેલા શેખ બંધુઓની રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે

શેખ બંધુઓના નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન દરમિયાન 50 જીવતા કારતૂસ, 6 છરા અને કાળિયારના શિંગડા મળી આવેલ

ભાવનગર શહેરના ચકચારી નવાપરા ફાયરિંગ પ્રકરણ બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં ’ઈન્ડિયા હાઉસ’ માંથી પ્રતિબંધિત વસ્તુઓ સાથે ઝડપાયેલા ઉબેદ અને ઈમદાદ શેખને રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે.

બનાવની વિગત મુજબ ભાવનગરનાજોગીવાડની ટાંકી પાસે આવેલા ઉબેદ શેખના નિવાસસ્થાન ’ઈન્ડિયા હાઉસ’ પર એસપી સહિતના કાફલાએ દરોડો પાડ્યો હતો. આ સર્ચ દરમિયાન પોલીસને ત્યાંથી 50 જીવતા કારતૂસ, 6 છરા, એક પોકેટ મંકી, વિદેશી દારૂૂની બોટલ અને વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ પ્રતિબંધિત એવા કાળિયારના 4 શીંગડા મળી આવ્યા હતા. આ મામલે ગંગાજળિયા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ નોંધી ઉબેદ અબ્દુલ્લા ઉર્ફે ઉબેદ કરીમભાઈ શેખ અને તેના ભાઈ ઈમદાદુલ્લા ઉર્ફે ઈમદાદની ધરપકડ કરવામાં આવી હતી.

એસઓજી દ્વારા આ બંને ભાઈઓના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે, મળી આવેલા 50 જીવતા કારતૂસ તેમના પર્સનલ બોડીગાર્ડના છે, જે હાલ મધ્યપ્રદેશમાં હોવાનું જાણવા મળ્યું છે. આ કબૂલાતના આધારે હવે પોલીસ દ્વારા સિક્યુરીટી ગાર્ડને નોટિસ આપી પૂછપરછ માટે બોલાવવાની તજવીજ હાથ ધરાઈ છે.

Exit mobile version