Site icon Gujarat Mirror

LRD-PSI ભરતીમાં ઉંચાઇ વિવાદમાં મહિલા ઉમેદવારને હાઇકોર્ટની રાહત

 

ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળ (LRD) અને PSI ભરતી પ્રક્રિયામાં ઊંચાઈને લઈને ઉભા થયેલા વિવાદમાં એક મહિલા ઉમેદવારને મોટી રાહત મળી છે. ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપતા ઉમેદવારને આગામી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા મંજૂરી આપી છે. આ કેસમાં શારીરિક પરીક્ષણ દરમિયાન ઉમેદવારની ઊંચાઈ નિર્ધારિત માપદંડ કરતાં ઓછી હોવાનું જણાવી તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી.

જોકે, બાદમાં સ્થાનિક હોસ્પિટલમાં માપણી કરાવતા તેની ઊંચાઈ વધુ હોવાનું સામે આવ્યું, જેના કારણે વિવાદ ઊભો થયો હતો. ઉમેદવારે ન્યાય માટે હાઈકોર્ટમાં અરજી કરી અને પોતાની ઊંચાઈ ફરીથી માપવા વિનંતી કરી. અરજદાર દ્વારા રૂૂ. 20,000 ડિપોઝિટ જમા કરવાની તૈયારી દર્શાવતા કોર્ટે પુન: માપણીની મંજૂરી આપી હતી.
કોર્ટના આદેશ મુજબ 20 માર્ચ, 2026ના રોજ સોલાની GMERS સિવિલ હોસ્પિટલમાં પારદર્શક રીતે ફરી માપણી કરવામાં આવી, જેમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરાઈ હતી. આ નવી માપણીમાં ઉમેદવારની ઊંચાઈ 154.5 સેમી નોંધાઈ, જે ભરતીના નિયમો મુજબ યોગ્ય છે. આ રિપોર્ટના આધારે ઉમેદવારને શારીરિક પરીક્ષણમાં લાયક જાહેર કરવામાં આવી છે. હવે તે PSI તથા લોકરક્ષક ભરતીની આગામી પ્રક્રિયામાં ભાગ લઇ શકશે.

આ આધારે હાઈકોર્ટે ઉમેદવારને લાયક જાહેર કરી PSI અને LRD ભરતીની આગળની પ્રક્રિયામાં ભાગ લેવા મંજૂરી આપી છે. સાથે જ ઉમેદવાર દ્વારા જમા કરાવવામાં આવેલ રૂૂ. 20,000 ડિપોઝિટ પણ પરત કરવાનો આદેશ કર્યો છે. આ મામલો માત્ર એક ઉમેદવાર સુધી મર્યાદિત નથી. અનેક મહિલા ઉમેદવારો દ્વારા ઊંચાઈ માપણીમાં ગડબડ અને પારદર્શિતાના અભાવ અંગે ફરિયાદો કરવામાં આવી છે. હાઈકોર્ટના આ નિર્ણયથી ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને ન્યાય સુનિશ્ચિત કરવાનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો છે.

Exit mobile version