Site icon Gujarat Mirror

પતિ ત્રણ મહિનાથી તરછોડી ભાગી જતાં શાપરની પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

રાજકોટ જિલ્લામાં આવેલા ઔદ્યોગિક વિસ્તાર શાપર-વેરાવળમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 20 વર્ષની પરિણીતાએ પારિવારિક મુશ્કેલીઓ અને પતિના વિરહમાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. શાપર-વેરાવળમાં રહેતા હિરલબેન લાલજીભાઈ સાગઠીયા નામની 20 વર્ષીય યુવતીએ ગઈકાલે પોતાના ઘરે ફિનાઈલ પી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ તેમને તાત્કાલિક અસરથી સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

આ ઘટનાની વિગતો મુજબ, હિરલબેનના લગ્ન આજથી આશરે દોઢ વર્ષ પહેલા થયા હતા અને તેમના લગ્નજીવનમાં સંતાનમાં એક નાની દીકરી પણ છે. સુખી સંસારની આશા વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી તેમના જીવનમાં વળાંક આવ્યો હતો. હિરલબેનનો પતિ છેલ્લા ત્રણ મહિનાથી તેમને મૂકીને ક્યાંક ચાલ્યો ગયો છે. જ્યારે પણ પત્ની દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે પતિ પોતે સુરત હોવાના બહાના બતાવી રહ્યો છે અને ઘરે પરત આવવામાં આનાકાની કરી રહ્યો છે.

પતિના ગયા બાદ આર્થિક જવાબદારી હિરલબેન પર આવી પડી હતી, જેના કારણે તેઓ મજૂરી કામ કરીને પોતાનું અને પોતાની બાળકીનું ગુજરાન ચલાવી રહ્યા છે. એક તરફ નાની બાળકીની જવાબદારી અને બીજી તરફ પતિનો સાથ ન મળતા સર્જાયેલી માનસિક મથામણને અંતે હિરલબેને આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

Exit mobile version