રાજકોટના બેડી નજીક આવેલા હડાળા ગામે રહેતા અને કપડાં વેચવાનો વ્યવસાય કરતા એક પ્રૌઢનું કાગદડી ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે.
વિગતવાર માહિતી મુજબ, હડાળા ગામના વતની દાઉદભાઈ ઈસ્માઈલભાઈ (ઉં.વ. 53) નામના પ્રૌઢ પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા, ત્યારે કાગદડી ગામ પાસે કોઈ અજાણ્યા કાર ચાલકે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી.આ ઘટનાને અંજામ આપી કાર ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. અકસ્માતને પગલે ગંભીર રીતે ઘવાયેલા દાઉદભાઈને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થતા પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.
મૃતક દાઉદભાઈના અંગત જીવન વિશે જાણવા મળ્યું છે કે તેઓ કપડાં વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘટનાના દિવસે તેઓ ઘરેથી સામાન્ય આંટો મારવા નીકળ્યા હતા, પરંતુ કાળમુખી કારે તેમની જિંદગી છીનવી લીધી હતી. મૃતકને સંતાનમાં ત્રણ દીકરાઓ છે, જેમણે પિતાની છત્રછાયા ગુમાવતા ગામમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી, અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા અજાણ્યા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે જેથી આરોપીને વહેલી તકે ઝડપી પાડી શકાય.
