સિવિલમાં કોન્ટ્રાક્ટર M.J.Solanki દ્વારા ભારે શોષણ; કામદારોની હડતાલની ચીમકી

રાજકોટમાં ’રાજકોટ કામદાર યુનિયન’ દ્વારા કલેક્ટરને એક સણસણતો પત્ર લખીને સિવિલ હોસ્પિટલના કામદારોના થઈ રહેલા ખુલ્લા શોષણ અંગે ગંભીર રજૂઆત કરવામાં આવી છે. મોચીબજાર મેઈન…

રાજકોટમાં ’રાજકોટ કામદાર યુનિયન’ દ્વારા કલેક્ટરને એક સણસણતો પત્ર લખીને સિવિલ હોસ્પિટલના કામદારોના થઈ રહેલા ખુલ્લા શોષણ અંગે ગંભીર રજૂઆત કરવામાં આવી છે. મોચીબજાર મેઈન રોડ સ્થિત આ યુનિયનના લેટરપેડ પર 21 ઓક્ટોબર 2026ના રોજ લખાયેલા આ આવેદનપત્રમાં, કોન્ટ્રાક્ટર M.J.Solanki દ્વારા કામદારો સાથે કરવામાં આવતા અન્યાય અને શોષણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
’રાજકોટ કામદાર યુનિયન’ દ્વારા કલેક્ટરને આવેલ આવેદનપત્રમાં ગીતા જયેશ ચૌહાણ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા આ કામદારોને છેલ્લા વીસ વર્ષથી નિયમિત બોનસ મળતું હતું, પરંતુ છેલ્લા બે વર્ષથી આ બોનસ આપવાનું સાવ બંધ કરી દેવામાં આવ્યું છે. એક તરફ મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે અને બીજી તરફ કામદારોને અપાતો પગાર પણ ઘણો ઓછો છે, જેનાથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે.

કોન્ટ્રાક્ટર M.J.Solanki ના શોષણની હદ દર્શાવતા પત્રમાં એક મોટો ખુલાસો કરાયો છે કે, કામદારોની પગાર સ્લીપમાં પીએફ (પ્રોવિડન્ટ ફંડ) કાપવામાં આવતું હોવાનું દર્શાવવામાં આવે છે, પરંતુ ખરેખર તે રકમ ખાતામાં જમા જ કરવામાં આવતી નથી. કામદારો સખત મહેનત કરે છે, જ્યારે તેમની મહેનતની કમાણી અન્ય લોકો ખાઈ રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.

આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં નિયમોનું પણ સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. પત્રમાં નોંધ્યા મુજબ, સિવિલમાં નિયમો તો બધાને લાગુ પડે છે, તેમ છતાં કામદારોના કામના કલાકો (ટાઈમ) વધારી દેવામાં આવ્યા છે. કામનું ભારણ વધુ હોવા છતાં, કોન્ટ્રાક્ટર દ્વારા નવા માણસોની ભરતી કરવામાં આવતી નથી અને માત્ર એક જ વ્યક્તિ પાસે બબ્બે વ્યક્તિનું કામ કરાવીને ગંભીર શોષણ કરવામાં આવી રહ્યું છે.કલેક્ટરને આપવામાં આવેલી આ રજૂઆતમાં આખરી ચેતવણી આપતા જણાવાયું છે કે, જો આગામી દિવસોમાં કામદારોની આ માંગણીઓ નહીં સંતોષાય, તો તેઓ પોતાની કામગીરી બંધ કરી સીધા હડતાળ પર ઉતરી જશે.