બેડી ચોકડી નજીક બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત:દ્વારકાના યુવકનું કરૂણ મોત

રાજકોટ શહેરના બેડી ચોકડી નજીક મોડી રાત્રે બે ટ્રક વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામદેવળાયા ગામના 35 વર્ષીય યુવક ધરમશાભાઈ શામરાભાઈ…

રાજકોટ શહેરના બેડી ચોકડી નજીક મોડી રાત્રે બે ટ્રક વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામદેવળાયા ગામના 35 વર્ષીય યુવક ધરમશાભાઈ શામરાભાઈ પંડિતનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કરૂૂણ મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના મિત્ર અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા દેવાભાઈ દેવશાભાઈ આંબલીયા (ઉં.વ. 39)ની ફરિયાદના આધારે રાજકોટ ’બી’ ડિવિઝન પોલીસ મથકમાં અન્ય ટ્રકના ચાલક વિરૂૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર, કલ્યાણપુરના જામદેવળાયા ગામના દેવાભાઈ આંબલીયા આહિર ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે અને જીજે-24-વી-9887 નંબરનો ટ્રક ધરાવે છે. આ ટ્રક તેમણે પોતાના મિત્ર ધરમશાભાઈ પંડિતને ભાગીદારીમાં ચલાવવા માટે આપ્યો હતો. તા. 29/9ના રોજ રાત્રે ધરમશાભાઈ પડાણા ગામથી ટ્રકમાં કોલસો ભરીને તાપી જિલ્લાના સોનગઢ ગામે ખાલી કરવા જવા નીકળ્યા હતા. રાત્રે સાડા અગિયાર વાગ્યા આસપાસ ધરમશાભાઈએ દેવાભાઈને ફોન કરીને ફાસ્ટટેગમાં બેલેન્સ પૂરું થઈ ગયું હોવાથી બેલેન્સ નાખી આપવા વાત કરી હતી.

દરમિયાન મોડી રાત્રે અંદાજે દોઢ વાગ્યાના સુમારે દેવાભાઈને ફોન આવ્યો હતો અને માહિતી મળી હતી કે રાજકોટ બેડી ચોકડી પાસે તેમના ટ્રકનો અન્ય એક ટ્રક સાથે અકસ્માત થયો છે અને ટ્રકચાલકનું મોત નીપજ્યું છે. આ સમાચાર મળતાં જ દેવાભાઈએ તરત જ ધરમશાભાઈના મોબાઈલ પર સંપર્ક કરતા ત્યાં હાજર વ્યક્તિએ અકસ્માતની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ દેવાભાઈ અને મૃતકના ભાઈ બાલાભાઈ સહિતના પરિવારજનો તાત્કાલિક કાર લઈને રાજકોટ આવવા રવાના થયા હતા, જ્યાં મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાની જાણ થઈ હતી.

રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચી તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, સામેથી આવી રહેલા ટ્રક નંબર જીજે-12-બીવાય-5482ના ચાલકે પોતાના વાહનને બેદરકારીપૂર્વક ચલાવી ધરમશાભાઈના ટ્રક સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાથી ધરમશાભાઈનું મોત નીપજ્યું હતું. આ મામલે દેવાભાઈની ફરિયાદ પરથી ’બી’ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એચ. એન. જેઠવાની ટીમે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.