મોરબી જિલ્લાની સિરિયલ રેપિસ્ટ ગેંગ અંતે ઝડપાઇ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગામની સીમમાં ચોરી અને લૂંટના ઈરાદે ત્રાટકીને ખેતમજૂર મહિલાઓ પર દુષ્કર્મ આચરવાના બે અતિ ગંભીર અને ચકચારી બનાવોનો મોરબી એલસીબી પોલીસે…

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગામની સીમમાં ચોરી અને લૂંટના ઈરાદે ત્રાટકીને ખેતમજૂર મહિલાઓ પર દુષ્કર્મ આચરવાના બે અતિ ગંભીર અને ચકચારી બનાવોનો મોરબી એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ જઘન્ય અપરાધ આચરનારી હળવદ પંથકની દેવીપૂજક ગેંગના 3 શખ્સો અને 1 કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત તારીખ 04/06/2026 ના રોજ રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના ગામની સીમમાં આવેલ વાડીમાં 5 અજાણ્યા શખ્સો ચોરી અને લૂંટના ઈરાદે આવ્યા હતા. ખેતમજૂરો જાગતા હોવાથી તેઓએ એક છોકરી ગોતવા આવ્યા હોવાનું બહાનું કાઢ્યું હતું. ત્યારબાદ ખેતમજૂર મહિલાના પતિને ગળે છરી રાખી, 1 શખ્સે 22 વર્ષીય પરિણીતા પર છરીની અણીએ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

જ્યારે બીજો બનાવ તારીખ 05/06/2026 ના રોજ રાત્રિના 2 વાગ્યાની આસપાસ મોરબી તાલુકાના અન્ય એક ગામની સીમમાં બન્યો હતો. આ બનાવમાં પણ 5 શખ્સો છરી અને ધોકા જેવા હથિયારો સાથે ધાબા પર સૂતેલા મજૂરો પાસે ગયા હતા. તેઓને મારી નાખવાનો ભય બતાવી સોના-ચાંદીના દાગીના માંગ્યા હતા. મજૂરો પાસે દાગીના ન હોવાનું જણાતા, 5 પૈકી 3 શખ્સોએ મહિલાના પતિની નજર સામે જ 23 વર્ષીય પરિણીતા પર સામુહિક દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ વણશોધાયેલ અને ગંભીર ગુનાઓને પગલે આઈજી ચિરાગ કોરડીયા અને એસપી મુકેશ પટેલની કડક સૂચનાથી એલસીબી પીઆઈ આર.સી.ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડ અને તાલુકા પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે આ ગુનાઓ આચરવામાં હળવદ તાલુકાના માથક અને કડીયાણા ગામની દેવીપૂજક ગેંગનો હાથ છે. જેના આધારે પોલીસે કડીયાણા ગામેથી નીચે મુજબના આરોપીઓને દબોચી લીધા હતા: પોલીસે આરોપીઓ પાસેથી 4 મોબાઈલ ફોન (કિંમત રૂૂ. 20000) અને 1 મોટરસાયકલ (કિંમત રૂૂ. 30000) મળી કુલ રૂૂ. 50000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ આરોપીઓ રાત્રિના સમયે અવાવરું જગ્યાએ ખેતરમાં એકલ-દોકલ રહેતા મજૂરોને નિશાન બનાવી લૂંટ કરતા અને મહિલાઓ હાજર હોય તો સામુહિક દુષ્કર્મ આચરવાની ટેવવાળા હોવાનું સામે આવ્યું છે.

આરોપી નવઘણ અને દિલીપ વિરુદ્ધ અગાઉ પણ હળવદ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે.
આ બનાવોને ધ્યાને લઈ મોરબી પોલીસે ખેડૂતો અને વાડી માલિકોને અપીલ કરી છે કે પરપ્રાંતીય મજૂરો માટે મજબૂત દરવાજાવાળા મકાનની વ્યવસ્થા કરવી અને સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવા. રાત્રિના સમયે મજૂરોએ દાગીના કે મોટી રોકડ સાથે ન રાખવી. વિશેષ કરીને મહિલા મજૂરોની સલામતી માટે રાત્રિ રોકાણ ગામની હદમાં કે લોકો વચ્ચે રહેવાની વ્યવસ્થા કરાવવી જેથી આવા ગુનાઓ અટકાવી શકાય.