વૃધ્ધાની હત્યા કરી મૃતદેહ સાથે દુષ્કર્મ આચરનાર સીરિયલ કીલર ઝડપાયો

ત્રણ વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેની હત્યામાં નિર્દોષ છૂટેલા હવસખોરનું હેવાની કૃત્ય સંસ્કારી નગરી રાજકોટમાં માનવતાને શરમાવે તેવી એક અત્યંત ગંભીર અને ઘૃણાસ્પદ ઘટના…

ત્રણ વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેની હત્યામાં નિર્દોષ છૂટેલા હવસખોરનું હેવાની કૃત્ય

સંસ્કારી નગરી રાજકોટમાં માનવતાને શરમાવે તેવી એક અત્યંત ગંભીર અને ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. શહેરના આજી ડેમ પોલીસ મથક વિસ્તારમાંથી પાંચેક દિવસ પહેલા મળી આવેલી 76 વર્ષીય વૃદ્ધા લીલાબેન નટુભાઈ સોલંકીની લાશનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ મામલે વિકૃત માનસિકતા ધરાવતા સીરીયલ કિલર રિક્ષા ચાલક રમેશ બચુભાઈ વૈધુકિયા (ઉં.વ.33, રહે. કોઠારીયા રોડ) ની ધરપકડ કરી છે.

આરોપીએ માત્ર પોતાની હવસ સંતોષવા માટે સાત હનુમાન મંદિર બહારથી વૃદ્ધાનું અપહરણ કર્યું હતું અને રિક્ષાની પાછળની સીટમાં વૃધ્ધાની હત્યા કરી મૃતદેહ સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાદમાં લાશને આજી ડેમના કાંઠે ફેંકી દીધી હતી. બાળકીના અપહરણ અને હત્યામાં ફાંસીની સજા થયા બાદ પુરાવાના અભાવે હાઇકોર્ટ માંથી ત્રણ માસ પૂર્વે નિર્દોષ છુટેલા નરાધમ વિકૃત સીરીયલ કિલરે ચોથી હત્યાને અંજામ આપ્યો હતો.
રાજકોટના આજીડેમના કાંઠેથી 21 ઓગસ્ટે વૃદ્ધાની શંકાસ્પદ લાશ મળી આવી હોય આ બનાવ હત્યાનો હોવાનું પોસ્ટમોર્ટમમાં બહાર આવ્યા બાદ આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને માસુમ બાળકીના અપહરણ અને હત્યા તેમજ અન્ય બે હત્યા એમ કુલ ત્રણ હત્યામાં સામેલ સીરીયલ કિલર એવા ગુનેગાર રમેશ વૈધુકિયાને ઝડપી લઇ વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, ભોગ બનનાર વૃદ્ધા લીલાબેન સાત હનુમાન મંદિર બહાર બેસીને ભિક્ષાવૃત્તિ કરતા હતા. ગત તા. 19મીના રોજ સાંજના સમયે આરોપી રમેશ વૈધુકિયા પોતાની રિક્ષા લઈને ત્યાં આવ્યો હતો અને વૃદ્ધાને ઘરે મુકવા માટે રિક્ષામાં બેસાડ્યા હતા અને ત્યાંથી તેમનું અપહરણ કરીને અલગ-અલગ જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં તેણે વૃદ્ધાને લાકડાના ફટકા મારી રિક્ષામાં તેમની હત્યા કરી અને રિક્ષાની પાછળની સીટમાં જ મૃતદેહ સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને આજી ડેમના કાંઠે કચડામાં ફેંકી ભાગી છૂટ્યો હતો.
સીરીયલ કિલર રમેશ સામે અગાઉ પણ ત્રણ મર્ડરના ગુના નોંધાયા હતા પોલીસ તપાસમાં આરોપી રમેશ વૈધુકિયા અંગે જે ખુલાસા થયા છે તે આઘાતજનક છે.

આરોપી સામે અગાઉ પણ ત્રણ-ત્રણ મર્ડરના ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યા: વર્ષ 2018માં થાનગઢ પોલીસ મથક વિગત મુજબ 3 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી હત્યા કરવા બદલ સેશન્સ કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી હતી. જોકે, હાઈકોર્ટમાંથી શંકાનો લાભ મળતાં માત્ર 3 મહિના પહેલા જ તે જેલમાંથી છૂટ્યો હતો.

ગત તા. 21મીના રોજ આજી ડેમ કિનારેથી વૃદ્ધાની લાશ મળી આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમમાં બનાવ હત્યાનો હોવાનો તબીબોએ અભિપ્રાય આપ્યા બાદ આજીડેમ પોલીસ મથકના પી.આઈ એચ.એન.પટેલ અને તેમની ટીમે કેમેરા ચકાસ્યા હતા, જેમાં રિક્ષા ચાલક રમેશ બચુભાઈ વૈધુકિયાની ઓળખ થઇ હતી.

લીલાબેનને સાતહનુમાન મંદિરેથી 40 રૂૂપિયામાં ઘરે સોખડા મુકવાનું કહી રિક્ષા ચાલક રમેશ બચુભાઈ વૈધુકિયાએ તેમણે રિક્ષામાં બેસાડ્યા જયારે લીલાબેને માત્ર 20 રૂૂપિયા ભાડું ચુકવ્યું ત્યારે બાકીના રૂૂ.20ના નામે રિક્ષા ચાલક રમેશ બચુભાઈ વૈધુકિયા એ તેમની પાસે અભદ્ર માંગ કરી અને બાદમાં તેમની હત્યા કરી લાશ સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે આ રિક્ષાના નંબરના આધારે તેના માલિક અમન દલ સુધી પહોંચીને રિક્ષા ચલાવવા લઈ જનાર રમેશ વૈધુકિયાની ધરપકડ કરી આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

પોલીસ ચેકિંગના ધજાગરા: હૃદય કંપાવનારી ઘટનામાં હત્યારો લાશ લઈને કુવાડવાથી આજીડેમ સુધી પહોંચી ગયો
શહેરના ચર્ચાસ્પદ 76 વર્ષીય વૃદ્ધાના અપહરણ, દુષ્કર્મ અને હત્યા કેસમાં પોલીસના કહેવાતી સઘન ચેકિંગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આરોપી રિક્ષાચાલક રમેશ વૈધુકિયા સાત હનુમાન મંદિર પાસેથી વૃદ્ધાનું અપહરણ કરી, બર્બરતાપૂર્વક હત્યા કર્યા બાદ લાશને રિક્ષામાં જ રાખી કુવાડવા રોડથી આજીડેમ સુધી પહોંચી ગયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. શહેરમાં એક તરફ પોલીસ નંબર પ્લેટ વિનાના અને શંકાસ્પદ વાહનોનું ઠેર-ઠેર ચેકિંગ કરી રહી છે, પોલીસ શહેરના અલગ અલગ પોઇન્ટ ઉપર વાહન ચેકિંગનો દાવો કરવામાં આવે છે, ત્યારે એક હત્યાકાંડનો આરોપી વૃદ્ધના મૃતદેહને રિક્ષાની પાછળની સીટમાં છુપાવીને આટલા મોટા અંતર સુધી કોઈ પણ રોકટોક વગર ફરી રહ્યો હતો. ત્યારે પોલીસ સજ્જડ ચેકિંગના દાવાઓની પોલ ખોલી નાખી છે. સ્થાનિક રહીશ અને નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જો કાયદો અને વ્યવસ્થાનું કડક પાલન થતું હોત અને વાહનનું યોગ્ય ચેકિંગ થયું હોત તો કદાચ આ ઘાતકી ગુનાને અટકાવી શકાયો હોત અથવા આરોપી ઘટનાસ્થળે જ પકડાઈ ગયો હોત. પોલીસ સુરક્ષા વ્યવસ્થા સામે ઊભા થયેલા આ સવાલોએ શહેરભરમાં ભારે ચર્ચા જગાવી છે.

બાળકીની હત્યા-દુષ્કર્મ કેસમાં ફાંસીની સજામાંથી નિર્દોષ છૂટી ‘હેવાને’ વધુ એક વૃધ્ધાની હત્યા કરી!
2018માં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કરી હતી 2010માં ચોટીલામાં ધોકા-પાઇપ વડે મારમારી કરી મહિલાનું મૃત્યુ નિપજાવી તેની લાશ કૂવામાં ફેંકી દીધી હતી. આ પછી 2018માં રાજકોટ કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 70 વર્ષીય વૃદ્ધાને લૂંટી હત્યા કરી હતી અને તેના 2 દિવસ બાદ (9 ફેબ્રુઆરી, 2018) થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શ્રમિક પરિવારની 3 વર્ષની માસુમ બાળકીને ઉપાડી જઇ તેની સાથે દુષ્કર્મ આચરી ભાવનગર રોડ પરના જૂના પીટીસી ગ્રાઉન્ડમાં લાશ ફેંકી દીધી હતી. વર્ષ 2010માં ચોટીલામાં હત્યા કરી લાશ કૂવામાં ફેંકી પુરાવાનો નાશ કરવાનો કેસ દાખલ થયો હતો, જેમાં ફરિયાદી સાથે સમાધાન થતાં સેશન્સ કોર્ટમાંથી તે નિર્દોષ છૂટ્યો હતો. જયારે 2018ની સાલમાં 70 વર્ષના વૃદ્ધા પાસેથી લૂંટ ચલાવી હત્યા કરવા અંગેનો ગુનો નોંધાયો હતો, જેમાં પણ પુરાવાના અભાવે તે નિર્દોષ છૂટ્યો હતો. બાળકીના અપહરણ અને હત્યા કેસમાં સીરીયલ કિલર રમેશ બચુભાઈ વૈધુકિયા સામે ચાલેલા આ કેસમાં 2020માં રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ ડી. ડી. ઠક્કરે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણીને આરોપી રમેશ વૈધુકિયાને ફાંસીની સજા ફટકારી હતી. જો કે, આરોપી આ સજાને પડકારી હાઇકોર્ટમાં પહોંચતા હાઇકોર્ટે માં પુરાવાના અભાવે પોલીસની ઢીલી નીતિ ને કારણે રમેશ બચુભાઈ વૈધુકિયાને નિર્દોષ છોડી મૂક્યો હતો.ત્રણ માસ પૂર્વે જ જેલ માંથી છુટેલા રમેશ ચોથી હત્યા કરી હતી.

રિક્ષા ઉપર લગાડેલ બાજ અને લીંબુના આધારે હત્યારો ઓળખાયો
આ હત્યાનો ભેદ ઉકેદવામાં ડીસીપી-ઝોન ટુ હેતલ પટેલ અને ઇન્ચાર્જ એસીપી વી.બી.જાડેજાએ સતત તલસ્પર્શી માર્ગદર્શન આપ્યુ હતું. પીઆઇ એચ.એન.પટેલ તથા પીએસઆઇ વી.જી.ડોડીયા અને તેમની ટીમે સીસીટીવી ફુટેજના અલગ-અલગ સ્થળોએ તપાસ કરતા તેમા એક શંકાસ્પદ રિક્ષા નજરે પડી હતી. કુવાડવા રોડથી આજીડેમ સુધીના 500થી વધુ કેમેરાની તપાસ શરૂ કરી હતી. આ રિક્ષા ઉપર બાજ લગાડેલુ હતુ અને લીંબુ લટકાડેલુ હોય તેમજ ઢીગલીનુ ચિત્ર હોય અલગ-અલગ 200થી વધુ રિક્ષાઓની તપાસ બાદ અંતે આ રિક્ષાના માલિક સુધી પોલીસ પહોંચી હતી અને જેના આધારે સીલીયર કીલર રમેશ બચુ વૈધુકિયાની ઓળખ થઇ હતી. આ સતત પોલીસે તપાસ કરીને આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.