કચ્છના દરિયાકાંઠેથી વધુ 20 ચરસનાં પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં

કચ્છના દરિયાઈ માર્ગે ડ્રગ્સની ઘૂસણખોરીનો સિલસિલો યથાવત રહ્યો છે. શુક્રવારે જખૌ નજીકથી પેટ્રોલિંગ દરમિયાન ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમને બિનવારસુ હાલતમાં ચરસના 20 પેકેટ મળી આવ્યા…

કચ્છના દરિયાઈ માર્ગે ડ્રગ્સની ઘૂસણખોરીનો સિલસિલો યથાવત રહ્યો છે. શુક્રવારે જખૌ નજીકથી પેટ્રોલિંગ દરમિયાન ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમને બિનવારસુ હાલતમાં ચરસના 20 પેકેટ મળી આવ્યા છે. આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને સમગ્ર વિસ્તારમાં તપાસ તેજ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, જખૌના દરિયાકાંઠે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન દરિયાના મોજા સાથે તણાઈ આવેલા શંકાસ્પદ પેકેટો મળી આવ્યા હતા. તપાસ કરતા આ પેકેટો ચરસના હોવાનું બહાર આવ્યું હતું. એજન્સી દ્વારા તમામ 20 પેકેટો કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય સરહદ અને વિશાળ દરિયાકિનારો ધરાવતો હોવાથી ડ્રગ્સ સ્મગલિંગ માટે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી જખૌ અને ક્રિક વિસ્તારમાંથી વારંવાર બિનવારસુ ડ્રગ્સના પેકેટો મળી આવવાની ઘટનાઓ વધી છે, જે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.
આ નશીલા પદાર્થો ક્યાંથી આવ્યા અને તેની પાછળ કયું આંતરરાષ્ટ્રીય નેટવર્ક સક્રિય છે, તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરવામાં આવી છે. દેશ વિરોધી ગતિવિધિઓને રોકવા માટે સ્થાનિક પોલીસ, કોસ્ટ ગાર્ડ અને અન્ય ગુપ્તચર એજન્સીઓ સંયુક્ત રીતે આ નેટવર્કને તોડી પાડવા માટે કામ કરી રહી છે.