મહેસુલી રેકર્ડમાં નામ હોવાથી જમીનનો માલિકી હક્ક મળી જતો નથી: સુપ્રીમ

રેવન્યુ નોંધો માત્ર જમનીવેરો ઉઘરાવવા માટે હોય છે, મહેસુલી અધિકારીઓ પાસે માલિકી નક્કી કરવાની કાયદેસર સત્તા નથી માલિકી સ્થાપિત કરવા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ અથવા આવશ્યક,…

રેવન્યુ નોંધો માત્ર જમનીવેરો ઉઘરાવવા માટે હોય છે, મહેસુલી અધિકારીઓ પાસે માલિકી નક્કી કરવાની કાયદેસર સત્તા નથી

માલિકી સ્થાપિત કરવા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ અથવા આવશ્યક, માત્ર 7/12ના ઉતારા અથવા નોંધના આધારે દાવો કરી શકાતો નથી

સુપ્રીમ કોર્ટે જમીન માલિકી અને મહેસૂલી દસ્તાવેજો અંગે એક સીમાચિહ્નરૂૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે સરકારી મહેસૂલ રેકોર્ડમાં નામ હોવા માત્રથી કોઈ વ્યક્તિ તે જમીનનો કાયદેસરનો માલિક બની જતી નથી. કોર્ટે પુનરોચ્ચાર કર્યો હતો કે મ્યુટેશન એન્ટ્રીઓ (નોંધો) માત્ર નાણાકીય હેતુઓ માટે એટલે કે જમીન વેરો ઉઘરાવવા માટે હોય છે અને તેનાથી જમીન પરના માલિકી હક્ક (Title) નક્કી થતા નથી. આ ચુકાદો જમીન વિવાદના અસંખ્ય કેસોમાં સ્પષ્ટતા લાવવા માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે.

કોર્ટે આ મામલે સિદ્ધાંતો સમજાવતા જણાવ્યું હતું કે, મહેસૂલી અધિકારીઓ પાસે જમીનની માલિકી નક્કી કરવાની કોઈ કાયદેસરની સત્તા હોતી નથી. જો જમીનની માલિકી અંગે કોઈ વિવાદ ઊભો થાય, તો તેનો નિર્ણય માત્ર સિવિલ કોર્ટ દ્વારા જ થઈ શકે છે. મહેસૂલી રેકોર્ડમાં ફેરફાર અથવા મ્યુટેશન એ માત્ર વહીવટી પ્રક્રિયા છે જે સરકારને એ જાણવામાં મદદ કરે છે કે જમીનનો વેરો ભરવા માટે કોણ જવાબદાર છે. આવી નોંધો કોઈ વ્યક્તિના પક્ષમાં માલિકી હક્ક ઊભો કરતી નથી કે કોઈનો હક્ક છીનવી લેતી નથી.

વધુમાં, સર્વોચ્ચ અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે જમીનની માલિકી સ્થાપિત કરવા માટે રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ (Sale Deed) અથવા અન્ય કાયદેસરના પુરાવા હોવા આવશ્યક છે. માત્ર 7/12ના ઉતારા અથવા મ્યુટેશન એન્ટ્રીના આધારે માલિકીનો દાવો કરી શકાતો નથી. જો કોઈ વ્યક્તિ પાસે જમીનનો યોગ્ય માલિકી દસ્તાવેજ ન હોય, તો માત્ર મહેસૂલી નોંધો તેને તે મિલકતનો કાનૂની માલિક બનાવી શકતી નથી. આ સ્પષ્ટતાથી હવે જમીનના સોદા અને વારસાઈ વિવાદોમાં મહેસૂલી નોંધોના પ્રભાવને લઈને પ્રવર્તતી ગેરસમજો દૂર થશે.
આ કેસ તેલંગાણાના કલ્વલનગર ગામની આશરે 600 એકર જમીનનો હતો. અરજદારોએ જૂના રેવેન્યુ રેકોર્ડના આધારે જમીન પોતાની હોવાનો દાવો કર્યો હતો. પણ કોર્ટે કહ્યું કે આ જમીન સરકારી જંગલ તરીકે જાહેર થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચુકાદાને સાચો ગણાવ્યો અને અરજદારોની અપીલ ફગાવી દીધી.કોર્ટે વધુમાં કહ્યું કે આવા જમીનના વિવાદોને હાઈકોર્ટમાં નહીં, પણ સિવિલ કોર્ટમાં લડવા જોઈએ.

કોર્ટે આ કેસમાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ડિવિઝન બેન્ચના ચુકાદાને પુષ્ટિ આપી અને અરજદારોની અપીલને નકારી કાઢી. અરજદારો તેલંગાણાના કલ્વલનગરમ ગામના સર્વે નંબર 81માં આવેલી આશરે 600 એકર જમીન પર દાવો કરતા હતા. તેઓએ 1931-32ના નિઝામ યુગના પટ્ટા અને વિવિધ રેવેન્યુ રેકોર્ડ્સ (ફૈસલ પટ્ટી, પહાણી, વસૂલ બાકી વગેરે)ના આધારે માલિકીનો દાવો કર્યો હતો. જોકે, આ જમીન 1950ની ગેઝેટ નોટિફિકેશન મુજબ રિઝર્વ ફોરેસ્ટ તરીકે જાહેર કરવામાં આવી હતી.

કોર્ટે વધુમાં કહ્યું કે આર્ટિકલ 226 હેઠળની રાઇટ પિટિશનમાં ફેક્ટ અને ટાઇટલના ગંભીર વિવાદોનું નિરાકરણ કરવું યોગ્ય નથી. આવા મુદ્દાઓ માટે સિવિલ કોર્ટમાં સુટ દાખલ કરવું જ જરૂૂરી છે. જસ્ટિસ ભટ્ટીએ લખેલા ચુકાદામાં કહ્યું કે સિંગલ બેન્ચે જ્યુડિશિયલ રિવ્યુનો અવકાશ વધારી દીધો હતો, જે યોગ્ય ન હતું.

કેસનું ટાઇટલ: વડિયાલા પ્રભાકર રાવ અને અન્ય વિરુદ્ધ આંધ્રપ્રદેશ સરકાર અને અન્ય (2026 લાઇવલો (SC) 469) આ નિર્ણય લેન્ડ ડિસ્પ્યુટ્સમાં રેવેન્યુ રેકોર્ડ્સના મર્યાદિત મહત્વને ફરી એક વાર રેખાંકિત કરે છે અને માલિકી સાબિત કરવા માટે મૂળ દસ્તાવેજોની જરૂૂરિયાત પર ભાર મૂકે છે. આવા નિર્ણયો કૃષિ અને જમીન સંબંધિત કાનૂની વિવાદોમાં મહત્વપૂર્ણ માર્ગદર્શન આપશે.

સુપ્રીમ કોર્ટના મહત્વના તારણો
* રેવેન્યુ રેકોર્ડ માત્ર કર ભરવા માટે છે. તે જમીનની માલિકી આપતું નથી.
* આ રેકોર્ડમાં નામ લખવાથી કોઈને જમીનની માલિકી મળતી નથી. માલિકી સાબિત કરવા માટે મૂળ કાગળો જ જરૂૂરી છે.
* જો કોઈ વ્યક્તિ ટેક્સ ભરે કે લોન લે તો પણ સરકારની માલિકી પર અસર થતી નથી.
* આ રેકોર્ડ કબજાનો પુરાવો આપી શકે છે, પણ માલિકીનો નહીં.
* એક-બે વર્ષની એન્ટ્રીથી કંઈ અધિકાર મળતો નથી. લાંબા સમય સુધી નામ હોય તો પણ તે પૂરતું નથી.
* ખોટા રેકોર્ડ બનાવીને કોઈ જમીન પર કબજો કરી શકે નહીં. સરકાર આવા ખોટા રેકોર્ડથી બંધાતી નથી.