અમદાવાદ-ગાંધીનગરમાં સ્કૂલ-કોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, વાલીઓમાં દોડધામ

  અમદાવાદમાં ફરી એકવાર બોમ્બની ધમકીએ અફરાતફરી મચાવી છે. શહેરની અનેક શાળાઓ તેમજ વિવિધ કોર્ટને ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.અમદાવાદના બોપલની…

 

અમદાવાદમાં ફરી એકવાર બોમ્બની ધમકીએ અફરાતફરી મચાવી છે. શહેરની અનેક શાળાઓ તેમજ વિવિધ કોર્ટને ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.અમદાવાદના બોપલની DPS સ્કૂલ, થલતેજની ઉદગમ સ્કૂલ અને વેજલપુરની ઝાયડસ સ્કૂલ સહિતની શાળાઓને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હોવાનું સામે આવ્યું છે. ઈ-મેલની જાણ થતાં જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

બીજી તરફ અમદાવાદ સહિત ગાંધીનગર જિલ્લા અને સેશન્સ કોર્ટને પણ ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હોવાની માહિતી સામે આવી છે. કોર્ટ પરિસર ખાલી કરાવીને બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

સુરક્ષાના ભાગરૂપે ઝાયડસ સહિતની કેટલીક શાળાઓ ખાલી કરાવવામાં આવી અને વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. જેને પગલે ગભરાયેલા વાલીઓ પોતાના બાળકોને લેવા માટે શાળાએ દોડી આવ્યા હતા. શાળાઓની આસપાસ 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.

સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ અમદાવાદની તમામ શાળાઓને એલર્ટ રહેવા સૂચના આપી છે. શાળા સંચાલકોને સત્તાવાર ઈ-મેલ સતત ચેક કરવા અને કોઈપણ ધમકીભર્યો મેલ મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. હાલ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા શાળાઓ તથા કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

મહત્ત્વનું છે કે, થોડા દિવસ અગાઉ ગુજરાત હાઈકોર્ટ અને સુરત કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે અમદાવાદ અને સુરત સાયબર ક્રાઈમે બે શખ્સોની ધરપકડ કરી હતી. જોકે ફરી એકવાર ધમકીભર્યા ઈ-મેલ મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.