ગુજરાત
સૌરાષ્ટ્ર શિવમય: અનેકવિધ કાર્યક્રમોના આયોજનો
પ્રથમ દિવસે જ શિવાલયો ભકતોથી ઉભરાયા: સવારની આરતીમાં હર હર મહાદેવનો ગુંજારવ, જય ભોલેનાથના નાદ ગુંજ્યા: સવારથી જ દરેક શિવાલયોમાં ભકતોની દર્શનાર્થે જામી ભીડ: સોમનાથ ખાતે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત
અષાઢી બિજ નિમીત્તે સોમનાથ મહાદેવને વિશેષ જગન્નાથ શૃંગાર કરાયો હતો. આ શૃંગાર પુજારીશ્રીઓ દ્વારા પુષ્પો બિલ્વપત્રો સહિત સામગ્રી દ્વારા તૈયાર કરવામાં આવેલ. મહાભારત ના ઉલ્લેખ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણને પ્રભાસમાં સોમનાથ યાત્રા પ્રીય હતી, ભગવાન શ્રી કૃષ્ણ એ વૈકુંઠ પ્રયાણ માટે દેહોત્સર્ગ ગોલોકધામ ખાતેથી કરેલ. ભગવાન શિવ પરમ વૈષ્ણવ છે, અને ભગવાન શ્રી કૃષ્ણ એ પરમ શિવ ભક્ત છે, વેદોમાં કહેવાયુ છે, કે ભગવાન શિવના હ્રદયમાં ભગવાન વિષ્ણુ છે,
અને ભગવાન વિષ્ણુના હ્રદયમાં ભગવાન શિવ સદૈવ બિરાજમાન છે. અને બંન્ને સ્વરૂૂપ અલૌકિક બંધનથી જોડાયેલા છે. આ અલૌકીક દર્શન સાથે સોમનાથ પરીસરમાં જય સોમનાથ જય જગન્નાથ નો નાદ ગુંજી ઉઠ્યો હતો.
પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર પર સીઝનનો પહેલો વરસાદ વરસ્યો હતો. જેના કારણે મંદિરનો પરિસર અને તેની આસપાસનો વિસ્તાર એક મહાકાવ્ય સમાન આકર્ષક દ્રશ્યમાં પરિવર્તિત થયો હતો. મોસમના આ પહેલા વરસાદે સ્વયં ઇન્દ્રદેવ મહાદેવને અભિષેક કરી રહ્યા હોય તેવું વૈભવમય વાતાવરણ સર્જાયું હતું.
હળવદ
હળવદ છોટાકાશી તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે અને હળવદની ફરતે ચારે બાજુ અનેક નાના મોટા શિવાલયો આવેલા છે. શ્રાવણ માસમાં હળવદનુ એક વિશિષ્ટ અનેરૂ મહત્વ જોવા મળે છે શ્રાવણે શિવદર્શન કરવા માટે હળવદના શિવાલયોમાં શ્રાવણ માસની શરૂઆત થતાં માનવ મહેરામણ ઉમટી પડે છે.
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે ગલીએ ગલીએ શિવાલયોમાં પૂજા-અર્ચન વ્રત અનુષ્ઠાન મહિમ્ન સ્તોત્રનો પઠન થવા લાગ્યા છે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું છે અને હર હર મહાદેવના નારા સાથે ગુંજી ઉઠયું છે જ્યારે શ્રાવણ અને શિવાલયોની વાત હોય ત્યારે હળવદનું નામ સૌથી પહેલું લેવાય છે કારણ કે પંથકમાં પ્રાચીનકાળથી મહત્વ ધરાવતા શિવાલયોની સંખ્યા હળવદમાં વધુ જોવા મળે છે હળવદની ચારે બાજુએ અનેક શિવાલય શિવાલય જોવા મળે છે.
ગોંડલ
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ભગવાન ભોળાનાથની આરાધના કરવાનો શ્રેષ્ઠ મહિનો છે. હર હર મહાદેવના નાદ થી શિવાલયો ગુંજી ઉઠ્યા છે. ત્યારે ગોંડલ શહેરથી 4 કિલોમીટર દૂર વેરી તળાવની બાજુમાં રમણીય વિસ્તાર વચ્ચે શહેરનું અતિ પ્રાચીન પૌરાણીક સ્વયંભુ શિવાલય સુરેશ્ર્વર મહાદેવ બિરાજમાન છે. 350 વર્ષ પુરાણા મંદિરનું નિર્માણ રાજવી સર ભગવતસિંહજીએ કરેલ છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં ભક્તોએ આરતીના દર્શનનો લાભ લીધો હતો. અહીં ગોંડલ તેમજ આસપાસ ના ગ્રામ્ય વિસ્તારમાંથી ભક્તો મહાદેવજીના દર્શન તેમજ આરતીનો લાભ લે છે.
સુરેશ્વર મંદિર ખાતે રાત્રીથી દિવસ દરમિયાન વહેલી સવારના 3:00 કલાકે, 5:00 કલાકે, 7:00 કલાકે, 8:00 કલાકે, બપોરે 12:00 કલાકે અને સાંજે 7:00 કલાકે આરતી દર્શન નો લાભ લેવા ભક્તો ઉમટી પડે છે. અને વહેલી સવારથી લઈ મોડીરાત સુધી સુરેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે હર હર મહાદેવનો નાદ ગુંજતો રહે છે.