ગુજરાત

સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં 1થી 3 ઇંચ, 26મી સુધી વરસાદની આગાહી

Published

on

હવામાન ખાતાની આગાહીના પગલે રાજ્યના 76 તાલુકાઓમાં કાચું સોનું વરસ્યું, ખેડૂતોમાં આનંદની લાગણી

ગીર આંકોલવાડી, ખંભાત 3 ઇંચ, કુતિયાણા, ધોરાજી, જેતપુર કઠલાલ, ડાંગ, વલસાડમાં 1.5 ઇંચ ખાબક્યો


હવામાન વિભાગની તહેવારો દરમિયાન તા.26 સુધી ભારે વરસાદની આગાહીના પગલે ગઇકાલે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના 76 તાલુકાઓમાં 1થી 3 ઇંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો. ગીર આંકલોવાડી, ખંભાતમાં 3 ઇંચ જ્યારે કુતીયાણા, ધોરાજી, જેતપુર અને ડાંગ જિલ્લાના વિસ્તારોમાં 1થી 3 ઇંચ જેટલો વરસાદ વરસી જતા નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. તેમજ ઉભા પાક ઉપર કાચુ સોનું વરસાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ ગઇ હતી. ગઇકાલે દ.ગુજરાતના અહાવવા, દાનપુર, સંખેડા, દાનતા, દેવ ગઢબારીયા અને સૌરાષ્ટ્રના કુતિયાણા, થાનગઢ, જેતપુર, ચોટીલા, ઉપલેટામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.


ગઇકાલે સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં બેથી ત્રણ ઈંચ વરસ્યો હતો, જ્યારે તાલાલા શહેર તથા તાલુકાના અન્ય વિસ્તારોમાં અડધાથી એક ઇંચ સુધીનો વરસાદ પડયો હોવાના વિવિધ ગામોમાંથી જાણવા મળે છે. તાલાલા તાલુકામાં તથા ગીરની જંગલ ઉપરના ગામોમાં મુશળધાર વરસાદ વરસતા તાલાલા પંથકના મોટાભાગના ગામોમાં નદી નાળા છલકાઈ ગયા છે તેમજ હિરણ નદીમાં પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.આ દરમ્યાન સાસણ રોડ ઉપર માર્કેટીંગ યાર્ડ સામે હિરણ નદીના બેઠા પુલ ઉપર ઈકો કારનાં માલિક બેઠા પુલ ઉપર કાર ધોતાં હતાં, આ દરમ્યાન નદીના પાણીનાં પ્રવાહમાં અચાનક વધારો થતાં ઈકો કાર હિરણ નદીના પાણીનાં વહેણમાં તણાઈ ગઈ હતી. – કોઈ જાનહાનિ થઈ નથી.અમરેલી જિલ્લામાં આજે ધારીના દલખાણીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો, સાવરકુંડલાના વીજપડી સહિતનાં ગામો, ખાંભાના ઇંગોરાળા-સહિતના ગામોમાં સારી મેઘમહેરથી નદી-નાળા છલકાઈ ઉઠ્યા હતા. રાજકોટમાં આજે સવારથી ધૂંપછાંવનાં માહોલ બાદ બપોરે ચાર વાગ્યે રૈયા રોડ, કાલાવડ રોડ સહિતનાં વિસ્તારો કોરાધાકોડ રહ્યા હતા. પોરબંદર જિલ્લામાં કુતિયાણા અને સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, ધોરાજી અને જેતપુરમાં આજે ધોધમાર દોઢ ઇંચ તો ચોટીલા અને ઉપલેટામાં એક ઇંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હતા. એ જ રીતે વિંછીયા, ગારીયાધાર અને મહુવામાં આજે અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો: આ ઉપરાંત મેંદરડા, રાજુલા, જસદણ, ઉપલેટા, પાલિતાણા, ખાંભા, લીંબડી, જામકંડોરણા, રાણપુર અને વલ્લભીપુરમાં પણ જોરદાર ઝાપટાએ માર્ગો પર પાણીની રેલમછેલ કરી હતી. તાલાલા પંથકમાં લાંબી વરાપ બાદ પુન:વરસાદ નું આગમન થતાં તાલાલા પંથકના ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.તાલાલા પંથકમાં આજે સવારથી ભારે ગરમી સાથે વાતાવરણમાં બદલાવ આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version