ગુજરાત
બેડીના દરિયામાં સલાયાના ખલાસી બોટમાંથી પટકાઇ પડતાં મૃત્યુ
પાટલાનો બોયો બદલતી વેળા દરિયામાં પડી ગયો
જામનગર નજીક બેડી ના દરિયામાં એક બોટમાં કામ કરી રહેલા સલાયા પંથકના શ્રમિક યુવાનનું અકસ્માતે નીચે દરિયામાં પટકાઈ પડતાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં રહેતો અને બોટમાં ખલાસી તરીકે કામ કરતો અબ્બાસ હુસેનભાઇ ભટ્ટી નામનો 23 વર્ષનો વાઘેર યુવાન કે જે ગઈકાલે બેડીબંદર નજીક લાંગરેલી એક બોટમાં પાટલાનો બોયો બદલી રહ્યો હતો, તે દરમિયાન અકસ્માતે તેનો પગ લપસી જતાં દરિયાના પાણીમાં પડી ગયો હતો, અને ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના ભાઈ અકબરભાઈ હુસેનભાઇ ભટ્ટીએ પોલીસને જાણ કરતાં બેડી મરિન પોલીસ સ્ટેશનના સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
દરેડમાં દિવાળીની રાતે જુગાર અંગે બે સ્થળે દરોડા: 11 પત્તાપ્રેમી પકડાયા
જામનગર નજીક દરેડ વિસ્તારમાં દિવાળીની રાતે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને 11 પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે. પ્રથમ દરોડો મજૂરોની વસાહત વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરના સ્ટ્રીટ લાઇટ ના અજવાળે જુગાર રમી રહેલા શંકર વિશ્રામભાઈ શાહુ, ઇન્દ્રજીત મૃદુલ શાહુ, તિમિલ દારોગમલ પાસવાન, મજહર મુજફફર શેખ, મુકેશ ગામાભાઈ સરોજ અને બિંદા માતાપ્રસાદ ચોરસિયા ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 12,680 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
આ ઉપરાંત દરેડ એફસીઆઇના ગોડાઉન પાછળથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા શક્તિ કનુભાઈ જાટવ, અનુપ ધર્મસિંહ જાટવ, ત્રિભોવન કુમાર ઘનશ્યામભાઈ વિશ્વકર્મા, પવન પ્રતાપભાઈ જાટવ અને માતાપ્રસાદ ગોટીરામ જાટવની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 10,230 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.