અમદાવાદમાં જમીન વેચવાના નામે રૂપિયા 18.50 કરોડ પચાવી પાડયા

રાચરડાની જમીન લે-વેચના નામે કરોડો રૂૂપિયાની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. જમીન માલિકો અને દલાલો સહિત 7 લોકોએ ભેગા મળીને ગોતામાં રહેતા ખેડૂત સાથે…

રાચરડાની જમીન લે-વેચના નામે કરોડો રૂૂપિયાની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. જમીન માલિકો અને દલાલો સહિત 7 લોકોએ ભેગા મળીને ગોતામાં રહેતા ખેડૂત સાથે 24 કરોડમાં જમીનનો સોદો કર્યો હતો. તે બાદ આરોપીઓએ રૂૂ. 18.50 કરોડ પડાવી લીધા હતા અને જમીનના ભાવો વધી જતાં દસ્તાવેજ કરી આપવાની ના પાડીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગોતામાં રહેતા અશોકભાઈ વાસાણીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ કચ્છમાં દાડમની ખેતી કરીને અમદાવાદમાં ટ્રેડિંગનો વેપાર કરે છે. વર્ષ 2023માં અશોકભાઈ અને તેમના મિત્રોએ દાડમના વેપાર માટે જમીન ખરીદવા દલાલ ગિરીશ ભરવાડ અને અશોક રબારી સાથે મુલાકાત કરી હતી. આ બંનેએ રાચરડાની જમીન વેચાણની વાત કરીને મૂળ માલિકો સાથે મીટિંગ કરાવી હતી. જે બાદ 24 કરોડમાં જમીનનો સોદો કર્યો હતો.

આ જમીનના માલિકોએ બે સાક્ષીઓની હાજરીમાં વેચાણ લખાણ કરીને ટોકન પેટે 25 લાખ રૂૂપિયા પણ મેળવી લીધા હતા. જે બાદ જમીન માલિકોએ ટાઈટલ ક્લિયર કરી આપવાની જવાબદારી લીધી હતી. ત્યારબાદ જમીન એન.એ. કરવાનું કામ ચાલુ કર્યું હોવાનો વિશ્વાસ અપાવી આરોપીઓએ ફરિયાદી પાસેથી ચેક અને રોકડ મળી કુલ રૂૂ. 18.50 કરોડ મેળવી લીધા હતા.

જો કે, જમીનના ભાવો વધતા આરોપીઓએ એન.એ. તથા દસ્તાવેજ ન કરીને સમય પસાર કર્યો હતો. જે બાદ શીલજ ખાતે એક તબેલા પર મીટિંગ બોલાવીને આરોપીઓએ દસ્તાવેજ નહીં કરી આપવાનું અને પૈસા પણ પરત ન આપવાનું કહીને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સમગ્ર મામલે અશોકભાઇએ જમીન દલાલ ગિરીશ ભરવાડ અને અશોક રબારી તથા જમીન માલિક ઇશ્વર દેસાઈ, જયરામ દેસાઈ, નાનુ દેસાઈ, તખીબેન દેસાઈ, કુંવરબેન રબારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.