કાશ્મીર ભારતનું: ગોરના નિવેદન સામે પાક.નો વિરોધ

અમેરિકન પ્રમુખના ભારત સ્થિત રાજદૂત સર્જિયો ગોરે શ્રીનગર ખાતે આપેલા એક મહત્ત્વના નિવેદનને કારણે પાકિસ્તાનમાં મોટો ખળભળાટ મચી ગયો છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે…

અમેરિકન પ્રમુખના ભારત સ્થિત રાજદૂત સર્જિયો ગોરે શ્રીનગર ખાતે આપેલા એક મહત્ત્વના નિવેદનને કારણે પાકિસ્તાનમાં મોટો ખળભળાટ મચી ગયો છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કાશ્મીર પ્રવાસ દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ’જમ્મુ-કાશ્મીર ભારતનો જ ભાગ છે.’

આ સાથે તેમણે અમેરિકન નાગરિકોને કાશ્મીરની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરવાની અને ટ્રાવેલ એડવાઇઝરીની સમીક્ષા કરવાની વાત પણ કરી હતી. સુપરપાવર દેશના પ્રતિનિધિ દ્વારા જાહેર મંચ પરથી કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવતા જ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનનો ખોટો પ્રોપેગેન્ડા પડી ભાંગ્યો છે.
અમેરિકન રાજદૂત સર્જિયો ગોરના આ નિવેદનથી અકળાયેલા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઇસ્લામાબાદ ખાતે તહેનાત અમેરિકન ઉપ-રાજદૂત સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો અને તેમને એક વિરોધ પત્ર (ડિમાર્શે) આપ્યો હતો. પાકિસ્તાની અધિકારીઓએ અમેરિકન દૂતના નિવેદનને સખત શબ્દોમાં ફગાવી દીધું હતું. પાકિસ્તાને દાવો કર્યો હતો કે કાશ્મીર એક આંતરરાષ્ટ્રીય વિવાદિત ક્ષેત્ર છે અને તેનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના પ્રસ્તાવ મુજબ થવો જોઈએ.

આ સમગ્ર ઘટનાક્રમમાં પાકિસ્તાનની લાચારી અને બેવડું વલણ સ્પષ્ટપણે છતું થયું છે. એક તરફ પાકિસ્તાન અમેરિકાને દશકો જૂની નીતિઓનું પાલન કરવાની સલાહ આપી રહ્યું છે, તો બીજી તરફ તે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા માટે વિનંતી પણ કરી રહ્યું છે.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયે જાહેર કરેલા પત્રમાં ડોનાલ્ડ ટ્રમ્પના એ જૂના નિવેદનની પ્રશંસા કરવામાં આવી છે, જેમાં તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવાની ઓફર કરી હતી.