SCની 8, STની 1, SEBCની 25 અને સામાન્ય વર્ગની 57 બેઠકો
આગામી ગ્રામ પંચાયત ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકોટ તાલુકાની 91 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદની અનામત બેઠકોનું સત્તાવાર માળખું જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ તાલુકા પંચાયતના કાર્યક્ષેત્ર હેઠળ આવતી તમામ 91 ગ્રામ પંચાયતો માટે સરપંચ પદની કેટેગરીવાર અનામત બેઠકોની ફાળવણી દર્શાવતું રોસ્ટર રજિસ્ટર એટલે કે નમૂનો-7 જાહેર થતાં જ ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય હલચલ તેજ બની છે. વર્ષ 2011ની વસ્તી ગણતરીને આધાર બનાવી તૈયાર કરવામાં આવેલા આ રોસ્ટરમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ સામાન્ય વર્ગ માટે બેઠકોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. સાથે જ મહિલા પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખીને દરેક કેટેગરીમાં મહિલા અનામત બેઠકોની પણ ફાળવણી કરવામાં આવી છે.
જાહેર કરવામાં આવેલા રોસ્ટર મુજબ રાજકોટ તાલુકાની કુલ 91 ગ્રામ પંચાયતોમાં અનુસૂચિત જાતિ વર્ગ માટે સરપંચ પદની કુલ 8 બેઠકો અનામત રાખવામાં આવી છે. જેમાં 4 બેઠકો અનુસૂચિત જાતિની મહિલા ઉમેદવારો માટે અને બાકીની 4 બેઠકો સામાન્ય ઉમેદવારો માટે નિર્ધારિત કરવામાં આવી છે. જ્યારે અનુસૂચિત આદિજાતિ વર્ગ માટે સરપંચ પદની માત્ર એક બેઠક ફાળવવામાં આવી છે, જે મહિલા અનામત હેઠળ રાખવામાં આવી છે. આથી જઝ કેટેગરીમાં મહિલા ઉમેદવારને સરપંચ બનવાની તક મળશે.
બીજી તરફ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (જઊઇઈ/ઘઇઈ) માટે કુલ 25 બેઠકોનું અનામત માળખું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં 13 બેઠકો મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે 12 બેઠકો સામાન્ય ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે. આ ઉપરાંત બિનઅનામત એટલે કે સામાન્ય વર્ગ માટે સૌથી વધુ 57 બેઠકો ફાળવવામાં આવી છે. જેમાં 28 બેઠકો સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો માટે અને 29 બેઠકો સામાન્ય વર્ગના ઉમેદવારો માટે રાખવામાં આવી છે.
આમ, રાજકોટ તાલુકાની 91 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટેની કેટેગરીવાર ફાળવણી કરવામાં આવતાં કુલ 46 બેઠકો મહિલા ઉમેદવારો માટે અનામત બની છે. જ્યારે બાકીની 45 બેઠકો અન્ય સંબંધિત કેટેગરીના સામાન્ય ઉમેદવારો માટે રહેશે. એટલે કે તાલુકાની કુલ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદના રોસ્ટરમાં મહિલાઓને આશરે 50.5 ટકા પ્રતિનિધિત્વ મળ્યું છે. આ ફાળવણીથી આગામી ચૂંટણીમાં ગ્રામ્ય સ્તરે મહિલા આગેવાનોને રાજકીય ક્ષેત્રે આગળ આવવાની તક મળશે.સરપંચ પદની અનામત બેઠકોનું માળખું જાહેર થતાં જ રાજકોટ તાલુકાનાં ગામડાઓમાં ચૂંટણીલક્ષી ચર્ચાઓ શરૂૂ થઈ ગઈ છે.
