રોહિત શર્મા અને રાયન રિકલ્ટનની શાનદાર અર્ધશતકીય ઇનિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે IPL 2026ની 47મી મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે જ મુંબઈએ પ્લેઓફમાં પહોંચવાની આશાઓ જીવંત રાખી છે. મુકાબલામાં લખનઉની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરની રમતમાં 5 વિકેટના નુકસાન પર 228 રનનો સ્કોર ઉભો કર્યો હતો. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 8 બોલ બાકી રહેતા જ 4 વિકેટના નુકસાન પર 229 રન બનાવી લીધા અને આ સીઝનની પોતાની ત્રીજી જીત નોંધાવી. જોકે, આ જીતથી પોઈન્ટ્સ ટેબલમાં મુંબઈ માટે કોઈ મોટો ફેરફાર થયો નથી.
લખનઉ વિરુદ્ધ આ મેચમાં લક્ષ્યાંકનો પીછો કરતા રાયન રિકલ્ટન અને રોહિત શર્માએ દમદાર શરૂૂઆત કરી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 143 રનની પાર્ટનરશિપ થઈ. IPLમાં આ ત્રીજી વખત હતું જ્યારે રિકલ્ટન અને રોહિતે શતકીય ભાગીદારી કરી હતી. જોકે, આ બંને બેટ્સમેન પોતાનું વ્યક્તિગત શતક બનાવવામાં ચૂકી ગયા. રિકલ્ટન 32 બોલમાં 83 રન બનાવીને આઉટ થયો હતો. પોતાની આ ઇનિંગમાં તેણે 8 છગ્ગા અને 6 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. વળી રોહિત શર્માની વાત કરીએ તો તેણે 44 બોલમાં 84 રનનું યોગદાન આપ્યું હતું. રોહિતે પોતાની આ ઈનિંગમાં 7 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ નીચલા ક્રમના બેટ્સમેનોએ ટીમને સરળતાથી જીત અપાવી દીધી. બોલિંગમાં લખનઉ માટે એમ સિદ્ધાર્થે સૌથી વધુ 2 વિકેટ લીધી જ્યારે મોહમ્મદ શમી અને મોહસિન ખાનના ફાળે પણ 1-1 વિકેટ આવી.
મુંબઈ ઈન્ડિયન્સ સામેના મુકાબલામાં લખનઉની બેટિંગ ઠીક ઠાક રહી. જોકે, ટીમે પહેલી વિકેટ જલદી ગુમાવી દીધી હતી, પરંતુ ત્યારબાદ નિકોલસ પૂરન અને મિચેલ માર્શે રનની ગતિને ઓછી થવા દીધી નહોતી. પૂરને મેચમાં 21 બોલમાં 8 છગ્ગાની મદદથી 63 રનની તોફાની ઈનિંગ રમી હતી, જ્યારે મિચેલ માર્શે 44 રનનું યોગદાન આપ્યું હતું.
તે જ સમયે, મિડલ ઓર્ડરમાં ટીમ માટે હિંમત સિંહે 31 બોલમાં 40 રન બનાવ્યા, જ્યારે એડન માર્કરમે 25 બોલમાં 31 રનની ઈનિંગ રમી હતી, જેનાથી ટીમ 228 રન સુધી પહોંચી, પરંતુ તેના બોલરો આ સ્કોરને ડિફેન્ડ કરી શક્યા નહી. બીજી તરફ, મુંબઈની બોલિંગમાં કોર્બિન બોસે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. આ સિવાય રઘુ શર્મા, અલ્લાહ ગઝનફર અને વિલ જેક્સે 1-1 વિકેટ ઝડપી હતી.
જો કે આ પરિણામ છતાં બંને ટીમોના પોઈન્ટ ટેબલ રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી અને તેઓ છેલ્લા બે સ્થાન પર રહ્યા છે. પ્લેઓફમાં સ્થાન હજુ પણ તેમના માટે લગભગ અશક્ય લાગે છે. મુંબઈ અંગે આ જીતથી તેમના પોઈન્ટની સંખ્યા 6 થઈ ગઈ છે પરંતુ તેઓ નવમા સ્થાને છે. તેને બાકીની બધી મેચ નોંધપાત્ર માર્જિનથી જીતવી પડશે. જ્યારે અન્ય ટીમોના પરિણામો પર પણ આધાર રાખવો પડશે.
લખનૌની સ્થિતિ આ મેચ પહેલા મુંબઈ જેવી જ છે. ટીમે નવમાંથી સાત મેચ હારી છે અને માત્ર ચાર પોઈન્ટ સાથે ટેબલમાં સૌથી નીચે છે. તેને બાકીની બધી મેચ જીતવી પડશે અને અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ઈતિહાસમાં આ પાંચમી વખત બન્યું છે જ્યારે નિકોલસ પૂરને 20 કે તેથી ઓછા બોલમાં અડધી સદી ફટકારી હોય. આ સિદ્ધિ સાથે તે આ ખાસ રેકોર્ડની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે વૈભવ સૂર્યવંશીને પાછળ પાડી દીધો છે, જેના નામે 20 થી ઓછા બોલમાં 4 વખત અડધી સદી ફટકારવાનો રેકોર્ડ હતો. આ યાદીમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્મા 6 વખત આવી ફિફ્ટી ફટકારીને ટોચ પર બેઠો છે.
નિકોલસ પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી સૂર્યવંશીને છોડ્યો પાછળ
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ના બેટ્સમેન નિકોલસ પૂરનનું બેટ આખરે મુંબઈ ઈન્ડિયન્સ સામે જોરદાર ગરજ્યું છે. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 47મી મેચમાં પૂરને મુંબઈના બોલરોની બરાબરની ધોલાઈ કરતા માત્ર 16 બોલમાં જ પોતાની ફિફ્ટી પૂરી કરીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે જ તેણે 20 થી ઓછા બોલમાં સૌથી વધુ વખત અડધી સદી ફટકારવાના મામલે વૈભવ સૂર્યવંશીનો રેકોર્ડ તોડીને તેને પાછળ છોડી દીધો છે.
IPL 2026 : રઘુ શર્માનું વિકેટ બાદ અદ્ભુત સેલિબ્રેશન
33 વર્ષીય રઘુ શર્માની પહેલી IPL વિકેટ માત્ર તેમના માટે જ નહીં, પરંતુ સમગ્ર ટીમ માટે ખાસ ક્ષણ બની. લાંબા સમયથી તકની રાહ જોતા રઘુએ આખરે મુંબઈ ઇન્ડિયન્સ માટે ડેબ્યૂ કરીને પોતાની કાબેલિયત સાબિત કરી. લખનૌ સામેની મેચમાં તેણે પોતાના કરિયરની પહેલી વિકેટ મેળવી અને આ સિદ્ધિ પછી તેની ઉજવણી બધાનું ધ્યાન ખેંચનાર બની ગઈ. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં રઘુ શર્માને 13મી ઓવર ફેંકવાનો મોકો મળ્યો. ઓવરના પ્રથમ જ બોલ પર તેણે ડેબ્યુટન્ટ અક્ષત રઘુવંશીને આઉટ કર્યો. વિકેટ લીધા પછી રઘુ શર્માએ એક અનોખી રીતે ઉજવણી કરી. તેણે પોતાના ખિસ્સામાંથી એક નાનો કાગળ કાઢ્યો અને તેને કેમેરા સામે બતાવ્યો. આ કાગળમાં લખેલું સંદેશ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયું. કાગળમાં લખેલું હતું કે આ સફળતા લાંબા સમયથી કરેલી મહેનત અને ધીરજનું પરિણામ છે.તેના સંદેશમાં ભાવનાત્મક શબ્દો પણ હતા. રઘુએ લખ્યું હતું કે ભગવાનની કૃપાથી 15 વર્ષથી ચાલતી મુશ્કેલ અને પીડાદાયક રાહનો અંત આવ્યો છે. સાથે જ તેણે મુંબઈ ઇન્ડિયન્સનો આભાર વ્યક્ત કર્યો કે જેઓએ તેને આ તક આપી. અંતમાં તેણે ધાર્મિક શબ્દો સાથે પોતાની ખુશી વ્યક્ત કરી.
