વ્હાઇટ હાઉસ, ટ્રમ્પના ટોચના સલાહકારના નિવેદનોમાં વધતા તણાવનું પ્રતિબિંબ
ભારત પર 25 ટકા ટેરિફ લગાવવા બાબતે વ્હાઇટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું છે કે મોટા ભાગના ટેરિફ દરોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને એમાં ફેરફાર થવાનો અવકાશ નથી. બીજી તરફ પ્રમુખ ટ્રમ્પના ટોચના સલાહકાર સ્ટીફન મિલરે રશિયા પાસેથી ઓઇલ ખરીદીને ભારત યુક્રેન સામેના યુધ્ધમાં પુતિનના દેશને પરોક્ષ ભંડોળ પુરૂં પાડતું હોવાનો આક્ષેપ કર્યો છે.
ટેરિફ અંગે, વ્હાઇટ હાઉસના આર્થિક સલાહકાર કેવિન હેસેટે કહ્યું છે કે મોટાભાગના ટેરિફ દરો લગભગ અંતિમ છે અને બજારની નકારાત્મક પ્રતિક્રિયા છતાં તેમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પના વરિષ્ઠ વેપાર સલાહકાર જેમિસન ગ્રીરે પણ આ જ વાત કહી છે. ગ્રીરના મતે, યુએસ ટેરિફ દરો લગભગ નિશ્ચિત છે અને તેમાં વાટાઘાટો માટે કોઈ અવકાશ નથી. આ દરો 10% થી 41% સુધીના છે અને ભારત, યુરોપિયન યુનિયન, બ્રાઝિલ સહિત ઘણા યુએસ વેપાર ભાગીદારોને અસર કરશે.
ગ્રીરના મતે, આમાંના મોટાભાગના ટેરિફ દરો પહેલાથી જ ગુપ્ત કરારો હેઠળ જાહેર અથવા નક્કી કરવામાં આવ્યા છે પરંતુ કેટલાક દરો દેશ સાથેના વેપાર ખાધ પર આધાર રાખે છે.
બીજી તરફ, ટ્રમ્પના ટોચના સલાહકાર મિલરે કહ્યું કે ભારતે તેની નીતિ પર પુનર્વિચાર કરવો જોઈએ. સ્ટીફન મિલર ટ્રમ્પ સરકારમાં વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ છે અને તેમનું નિવેદન અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા મુખ્ય આરોપોમાંનું એક છે.
એક ઇન્ટરવ્યુમાં મિલરે કહ્યું, ડોનાલ્ડ ટ્રમ્પે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારત માટે રશિયા પાસેથી તેલ ખરીદીને આ યુદ્ધને ભંડોળ પૂરું પાડવું સ્વીકાર્ય નથી. ટ્રમ્પના ટોચના સલાહકારે કહ્યું કે લોકોને એ જાણીને આશ્ચર્ય થશે કે ભારત હવે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાના સંદર્ભમાં ચીન સમકક્ષ થઇ ગયું છે. મિલરે તેને આશ્ચર્યજનક હકીકત ગણાવી. જોકે, મિલરે ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધો શાનદાર હોવાનું કહીને તેમના નિવેદનને સંતુલિત કર્યું હતું.

