મેઘરાજાએ જ્યારે તોફાની બેટિંગ કરીને માત્ર 16 કલાકમાં 18 ઈંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો, ત્યારે અમદાવાદ શહેરની વાસ્તવિક સ્થિતિ છતી થઈ ગઈ છે. રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાઈ જતાં હજારો વાહનો વચોવચ બંધ પડી ગયાં હતાં. સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં કાર અને ટુ-વીલર્સનો ’ખો’ નીકળી ગયો હોવાના દ્રશ્યો સર્જાયા છે.
આવી મુશ્કેલ પરિસ્થિતિમાં મદદરૂૂપ થવાને બદલે વાહન ટોવિંગ કરનારાઓએ તકનો લાભ ઉઠાવીને દાદાગીરી શરૂૂ કરી દીધી છે. સામાન્ય સંજોગોમાં જે 10 થી 15 કિલોમીટર ગાડી ટોવ કરવાના રૂૂ. 1500 લેવાતા હતા, તેના રાતોરાત રૂૂ. 5000 થી 6000 માગવામાં આવી રહ્યા છે. કમર સમાણા પાણીમાં અનેક લોકો પોતાના ટુ-વીલર્સ રસ્તાની કોરે મૂકીને નીકળી જવા મજબૂર બન્યા હતા.
સામાન્ય રીતે વીમા કંપનીઓ રોડ-સાઈડ આસિસ્ટન્સ હેઠળ ગાડી ગેરેજ સુધી પહોંચાડવાની સુવિધા આપે છે. પરંતુ, બંધ પડેલી ગાડીઓનો આંકડો એટલો મોટો છે કે વીમા કંપનીઓ પણ પોલિસીધારકોને 4 થી 5 દિવસ રાહ જોવા માટે વિનંતી કરી રહી છે. કંપનીઓ ગાડી સીધી ગેરેજ સુધી પહોંચાડવાનો આગ્રહ રાખી રહી હોવાથી વાહનચાલકો અટવાયા છે.
વરસાદી પાણીનો નિકાલ ન થતાં શહેરના પોશ ગણાતા વિસ્તારોની હાલત પણ બદતર બની છે. છનાલાલ જોશી માર્ગ પર આવેલી સંતોષા પાર્ક જેવી હાઈફાઈ સોસાયટીઓમાં 4-4 ફૂટ સુધી પાણી ભરાઈ જતાં લોકોને પોતાના બંગલા ખાલી કરવાની ફરજ પડી હતી. થલતેજ, ગોતા જેવા વિસ્તારોના અનેક બંગલાઓ અને સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
