જેતપુરના હોટલ સંચાલકનું રાજકોટની સગીરા ઉપર દુષ્કર્મ

જેતપુર તાલુકાના પીઠડીયા નજીક હોટલ ચલાવતા હોટલ સંચાલક સામે રાજકોટની એક એક સગીર વયની તરુણી પર દુષ્કર્મ ગુજારવા બદલ રાજકોટ એરપોર્ટ પોલીસ મથકમાં ઝીરો નંબર…

જેતપુર તાલુકાના પીઠડીયા નજીક હોટલ ચલાવતા હોટલ સંચાલક સામે રાજકોટની એક એક સગીર વયની તરુણી પર દુષ્કર્મ ગુજારવા બદલ રાજકોટ એરપોર્ટ પોલીસ મથકમાં ઝીરો નંબર થી ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી વિરપુર પોલીસને સોંપી દીધો છે. આગળની તપાસ માટે તેને વિરપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુરના પીઠડીયા ગામે રહેતા અને ચાની હોટેલ ચલાવતા જય ગોંડલીયા સામે રાજકોટ એરપોર્ટ પોલીસ મથકમાં ઝીરો નંબર થી ફરિયાદ નોંધાઈ છે. આરોપી જય સગીરાને લલચાવી-ફોસલાવીને પોતાની વાડીએ લઈ ગયો હતો, જ્યાં તેણે તરુણીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ દુષ્કર્મ આચર્યા બાદ, આરોપીએ સગીરાને ઉપલેટા ખાતે રહેતા તેના મિત્ર કમલેશના ઘરે મોકલી દીધી હતી અને ત્યાં રાખી હતી. દરમિયાન, ભોગ બનનાર તરુણીના પરિવારને આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ તેઓ સક્રિય થયા હતા. પરિવારે તાત્કાલિક કમલેશના ઘરે ફોન કરીને સંપર્ક કર્યો હતો.

મામલો બિચકતાં, પરિસ્થિતિ ગંભીર જોઈને કમલેશ પોતે જ ભોગ બનનાર તરુણીને બાઈક પાછળ બેસાડીને રાજકોટના એરપોર્ટ પોલીસ મથકે હાજર થયો હતો.રાજકોટની એરપોર્ટ પોલીસે ઘટનાની ગંભીરતાને સમજીને તુરંત જ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને આરોપી જય ગોંડલીયાની અટકાયત કરી લીધી હતી. જો કે, આ ગુનાહિત બનાવ વિરપુર પોલીસની હદમાં બન્યો હોવાના કારણે, એરપોર્ટ પોલીસે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂૂપે ’ઝીરો નંબર’ થી એફ.આઈ.આર. નોંધીને આગળની સઘન તપાસ અને કાનૂની કાર્યવાહી માટે આ કેસ અને આરોપી બંનેને વિરપુર પોલીસ મથકે મોકલી આપ્યા છે. આ ચકચારી ઘટનાને પગલે પોલીસે ભોગ બનનારને ન્યાય અપાવવા માટે આગળની તપાસ તેજ કરી છે.