સાંઢિયા પુલના રોડ ફિનિશીંગમાં પોલંપોલ, મેયરે અધિકારીઓનો ઉધડો લીધો

લોકાર્પણ પૂર્વે સ્થળ વિઝિટ કરવા ગયેલા મેયર ડો.નેહલ શુક્લે પુલમાં ટેક્નિકલ ક્ષતિઓ કાઢી, સ્થળ પર જ અધિકારીઓ પાસે માગ્યો ખુલાસો રાજકોટની જનતા જે સુવિધા માટે…

લોકાર્પણ પૂર્વે સ્થળ વિઝિટ કરવા ગયેલા મેયર ડો.નેહલ શુક્લે પુલમાં ટેક્નિકલ ક્ષતિઓ કાઢી, સ્થળ પર જ અધિકારીઓ પાસે માગ્યો ખુલાસો

રાજકોટની જનતા જે સુવિધા માટે વલખા મારી રહી છે તે નવનિર્મિત સાંઢિયાપુલનું કામ પુરુ થઇ જવા છતા હજુ સુધી તેનુ લોકાર્પણ થયુ નથી. મનપાના નવા સુકાની આવી જતા હવે ગણતરીના દિવસોમાં જ લોકાર્પણ થવા જઇ રહ્યુ છે ત્યારે એ પૂર્વે મેયર ડો.નેહલ શુક્લે સાંઢિયાપુલની સ્થળ વિઝિટ આજે કરી હતી. એ દરમિયાન પુલના રોડ ફીનીસીંગ સહિતના કામમાં કેટલિક ત્રુટીઓ નજરે પડી હતી. કામ નિર્ધારિત સમય કરતા મોડુ થવા છતા આવી ક્ષતિઓ કેમ રહી ગઇ? તેવા સવાલ કરીને મેયરે સ્થળ પર જ અધિકારીનો ઉધડો લીધો હતો.

રાજકોટના સાંઢિયાપુલનું લોકાર્પણ મનપાની ચૂંટણી પહેલા જુના શાસકોના કાર્યકાળમાં થાય તે માટે શક્ય તેટલા તમામ ઝડપી પ્રયાસ કરવામા આવ્યા હતા પરંતુ કેટલીક ટેકનિકલ અવરોધો વચ્ચે આ શક્ય બન્યુ ન હતુ. અને હવે જ્યારે પુલનું કામ સંપૂર્ણ પુરુ થઇ ગયુ છે તેમ છતા લોકો પુલની સુવિધા માટે હજુ ઝંખી રહ્યા છે. રાજકોટની જનતાની આ તે કેવી કમનસીબી? તેની જ પરસેવાની કમાણીમાંથી મળતી સુવિધા ભોગવવા માટે રાજકીય પ્રસિધ્ધિની લ્હાય જ્યા સુધી નેતાઓને પુરી ન થાય ત્યા સુધી રાહ જોવી પડે! છેલ્લાં સવા બે વર્ષથી સવા લાખથી વધુ વાહનસવાર રોજેય 10 કી.મી.ની પ્રદક્ષિણા જેના કારણે વેઠી રહ્યા છે તેવા સાંઢિયા પુલનું કામ પુર્ણ થઇ ગયુ છે. રેડી ટુ પઝેશનમાં છે.

પણ પ્રજા માટે અફસોસની વાત એ છે કે, નવા પદાધિકારીને ફોટોસેશનનો લાભ મળે અને સાથે આ બ્રિજના લોકાર્પણનો જશ મેળવવા કોઇ મોટા રાજકીય નેતા રાજકોટ આવે તેની તારીખ મળે પછી જ બ્રિજ જનતા માટે ખુલ્લો મુકવાની નીતિ છેવટ સુધી રાખી તૈયાર બ્રિજ પ્રજાના ઉપયોગ વગર ધુળ ખાઇ રહ્યો છે. બ્રિજનું કામ પુરુ થઇ ગયુ છે છતા છતે સુવિધાએ હેરાન થતી શહેરની જનતા માટે ગત સત્પાહે આમ આદમી પાર્ટીએ ‘જનતા લોકાર્પણ’ કરવા આક્રમક કાર્યક્રમ પણ આપ્યો હતો.

દરમિયાન આજે મેયર ડો.નેહલ શુક્લ બ્રિજનો પ્રોજેક્ટ જેમની દેખરેખ હેઠળ કરવામા આવ્યો છે તે સિટી ઇજનેર સહિતના અધિકારીઓને સાથે રાખીને સ્થળ વિઝીટ કરી હતી. એ દરમિયાન બ્રિજના પુલના રોડમાં ફીનીંસીંગ બરોબર થયુ ન હોવાનું ધ્યાને પડ્યુ હતુ. આ ઉપરાંત વાહનચાલકોને થડકા કે વાઇબ્રેશન ન લાગે એ માટે બ્રિજના ઢાળ સહિતના રોડમાં અમુક જગ્યાએ રબ્બરની સ્ટ્રીપ પણ મુકવામા આવી ન હતી. આ તમામ ટેકનિકલ ક્ષતિઓ મેયર ડો.નેહલ શુક્લની નજરે આવતા જ સ્થળ પર ઉપસ્થિત અધિકારીને કડક ભાષામાં સવાલો કર્યા હતા. નિર્ધારિત કરતા વધુ સમયે બ્રિજનું કામ પુરુ થવા છતા આવી ત્રુટિઓ કેમ રહી ગઇ? તેવો ખુલાસો પણ માગ્યો હતો.

આવતા સપ્તાહે બ્રિજનું લોકાર્પણ 1001 ટકા થઇ જશે : મેયર
બ્રિજના લોકાર્પણ માટે તારીખ પે તારીખની જેમ જનતાને ટટળાવવામા આવી રહી છે. મનપામાં નવા સુકાની આવશે પછી જ બ્રિજનું લોકાર્પણ થશે એ નક્કી જ હતુ. હવે જ્યારે નવા પદાધિકારીઓ ખુરશી પર બેસી ગયા છે ત્યારે લોકાર્પણ અંગેની ઇંતેજારી અંગે મેયર ડો.નેહલ શુક્લને પુછવામા આવતા તેમણે કહ્યુ હતુ કે, આવતા સપ્તાહમાં 1001 ટકા બ્રિજ ખુલ્લો મુકી દેવામા આવશે.

બ્રિજના એસ્ટિમેટ કરતા ખર્ચ વધી જતા ‘ફાઇલ’ મેયર ચકાસશે
સાંઢિયાપુલનો વર્ક ઓર્ડર જ્યારે કોન્ટ્રાક્ટરને અપાયો ત્યારે ટેન્ડરમાં મુકાયેલા ખર્ચ કરતા બ્રિજ પુરો થતા ખર્ચ વધી ગયો છે. જો કે કામ એસ.ઓ.આર. મુજબ અપાયુ હતુ. બ્રિજની કોસ્ટ કેમ વધી ગઇ? ક્યા વધુ ખર્ચ થયો? એ સહિતનો હિસાબ મેયર સંબંધિત અધિકારી પાસે માગી તેની ફાઇલ ખુદ મેયર ચકાચશે.

નવા પદાધિકારીઓની અરજદારોને છાસ સેવા

રાજકોટ મહાનગરપાલિકામાં ગઇકાલે મેયર સહિતના પદાધિકારીઓએ આધારકાર્ડ અને દાખલા કઢાવવામાં માટે લાંબી લાઇનો જોતા તંત્રને તાત્કાલીક મંડપ અને બેસવા સહિતની સુવિધા પુરી પડવા આદેશ આપ્યો હતો. આજે સીવક સેન્ટર ખાતે આવેલા અરજદારોને ડે.મેયર દક્ષાબેન વસાણી, શાસકપક્ષના નેતા હીરેન ખીમાણીયા અને સ્ટે.ચેરમેન પરેશભાઇ પીપળીયા સહિતના નેતાઓએ છાસ પીરસીને ઠંડા કર્યા હતા.