દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટો ઝડપાયા

પાકિસ્તાનથી મોકલવામાં આવેલા ઘાતક વિસ્ફોટકો,હેન્ડ ગ્રેનેડ સહિતના હથિયારો જપ્ત, દાઉદ સાથે કનેક્શન ન્યૂક્લિયર પ્લાન્ટ, પાવર પ્લાન્ટ, વીજમથકો, એરપોર્ટ, રેલવે સ્ટેશનો નિશાના પર હતા, ઝડપાયેલા મુંબઇ,…

પાકિસ્તાનથી મોકલવામાં આવેલા ઘાતક વિસ્ફોટકો,હેન્ડ ગ્રેનેડ સહિતના હથિયારો જપ્ત, દાઉદ સાથે કનેક્શન

ન્યૂક્લિયર પ્લાન્ટ, પાવર પ્લાન્ટ, વીજમથકો, એરપોર્ટ, રેલવે સ્ટેશનો નિશાના પર હતા, ઝડપાયેલા મુંબઇ, પંજાબ, દિલ્હીના રહેવાસી

દેશની રાજધાની દિલ્હીને અસ્થિર કરવાના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના એક મોટા અને ઘાતક કાવતરાને દિલ્હી પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે ISIના 9 આતંકીઓની ધરપકડ કરી છે, જેના તાર મુંબઈ અંડરવર્લ્ડ અને કુખ્યાત ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે પણ જોડાઈ રહ્યા છે. આ આતંકીઓનો હેતુ દિલ્હી, મુંબઈ સહિતના મોટા શહેરોમાં અંધાધૂંધી ફેલાવવાનો અને દેશના સૌથી પાવરફુલ તેમજ સંવેદનશીલ સ્થળો પર હુમલો કરવાનો હતો. પકડાયેલા આતંકીઓ દિલ્હી, મુંબઈ અને પંજાબના રહેવાસી છે, જ્યારે આ યાદીમાં કેટલાક વિદેશી નાગરિકો પણ શામેલ હોવાનું સામે આવ્યું છે.

દિલ્હી પોલીસે ધરપકડ કરાયેલા આ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં અત્યાધુનિક હથિયારોનો જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે જ પાકિસ્તાનથી ખાસ મોકલવામાં આવેલો ઘાતક વિસ્ફોટક અને હેન્ડ ગ્રેનેડ પણ રિકવર કરવામાં આવ્યા છે. પોલીસની આ સતર્કતા અને સમયસરની કાર્યવાહીના કારણે દેશ પરથી એક મોટુ સંકટ ટળ્યું છે.

તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આતંકીઓ દેશના અર્થતંત્ર અને સુરક્ષા વ્યવસ્થાને તોડવા માટે અનેક મહત્વપૂર્ણ સ્થળો અને ભીડભાડ વાળી જગ્યાઓને નિશાન બનાવવાનું કાવતરું રચી રહ્યા હતા. આ પૈકી અનેક એવી જગ્યાઓ છે જ્યાં 24 કલાક સામાન્ય નાગરિકોની ભારે ભીડ જોવા મળે છે, જેથી કરીને વધુમાં વધુ જાનમાલનું નુકસાન કરી શકાય. આતંકીઓના નિશાન પર ન્યૂક્લિયર પ્લાન્ટ અને પાવર પ્લાન્ટ, વીજળી મથકો, એરપોર્ટ, રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે.

આ સમગ્ર ઓપરેશનમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI હવે બહારથી આતંકીઓ મોકલવાનું જોખમ ઉઠાવવા માંગતી નથી. પોતાના નાપાક મનસૂબાઓ પાર પાડવા માટે તે ભારતના જ સ્થાનિક લોકોને બ્રેઇનવોશ કરીને દેશ વિરુદ્ધ હથિયાર તરીકે વાપરી રહી છે. આ લોકલ નેટવર્કને અંડરવર્લ્ડના માધ્યમથી ફંડિંગ અને હથિયારો પૂરા પાડવામાં આવી રહ્યા હતા, પરંતુ દિલ્હી પોલીસે પાણી ફેરવીને તમામ 9 આતંકીઓને દબોચી લીધા છે.