Site icon Gujarat Mirror

RMC મહેકમની બુઠ્ઠી તલવારે નીકળ્યું શહેરને સ્માર્ટ સિટી બનાવવા! 1843 જગ્યા ખાલી

રાજકોટ મહાનગરપાલિકાના મહેકમમાં મ્યાન મોટી અને તલવાર નાની જેવી હાલત છે. બુઠા હથિયાર સાથે વહીવટ ચાલતો હોવાથી કામગીરી લાંબા સમયથી ખાડે ગઇ છે અને શહેરીજનોને તેના નાના મોટા કામ માટે અવારનવાર ધક્કા ખાવા પડે છે. તેની પાછળનું કારણ એ છે કે, જરૂૂરિયાત મુજબનો સ્ટાફ નથી. ગઇકાલે મળેલા જનરલ બોર્ડની બેઠકમાં મહાનગરપાલિકાના વર્ગ 1 થી 4ના કુલ મહેકમમાંથી કેટલી જગ્યા ખાલી અને આ જગ્યા પર ક્યારે ભરતી કરવામા આવશે? એ સહિતની નગરસેવકે માગેલી વિગતના અપાયેલા જવાબમાં સામે આવ્યુ હતુ કે, તંત્ર બુઠ્ઠા હથિયાર સાથે શહેરને સ્માર્ટ સિટી બનાવવા નીકળ્યુ છે. કુલ 4376 કર્મચારીઓના મહેકમમાં 1843 જગ્યા ખાલીખમ પડી છે.

વોર્ડ નં.5ના ભાજપના નગરસેવકે જનરલ બોર્ડ સમક્ષ વિગતો માગી હતી. વર્ગ એકની 25 અને વર્ગ-2ની 25 મળીને કુલ 50 જેટલી મહત્વની જગ્યાઓ ખાલી પડી છે. વર્ગ-1 માટે કુલ 35 જગ્યા મંજૂર કરવામાં આવી છે. તેમાંથી 10 જગ્યા પર ભરતી થયેલી છે અને 25 જગ્યા ખાલી છે આવી જ રીતે વર્ગ-2ની પણ 149 જગ્યા મંજૂર કરવામાં આવી છે આમાંથી 124 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. આમ વર્ગ-2ની પણ 25 જગ્યા ખાલી પડી છે.વર્ગ 1 અને વર્ગ 2ની કુલ 184 મંજૂર થયેલી જગ્યામાંથી 134 જગ્યા ભરાયેલી છે.

આવી જ રીતે અલગ અલગ શાખામાં 19 અધિકારીઓ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. આમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર-1 નાયબ મ્યુનિ. કમિશનર-1, સિટી ઇજનેર સ્પેશ્યલ-2,એડિશનલ સિટી એન્જિનિયર (સિવિલ)ની બે, એડિશનલ સિટી ઇજનેર (ઇલેક્ટ્રિક અને મિકેનીક) 1, ડાયરેક્ટર આઇ.ટી. 1, ચિફ ફાયર ઓફિસર 1, ડાયરેક્ટર પે એન્ડ પાર્કસ 1,પર્યાવરણ ઇજનેર -1, આસિ. મ્યુનિ. કમિશનર -6, મળી વર્ગ 1ની કુલ 17 જગ્યા ઉપર ઈન્ચાર્જ છે.

જ્યારે વર્ગ-2માં નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ)ની એક અને ડે. ડાયરેક્ટર (આઇટી)ની એક જગ્યા પર ઇન્ચાર્જ છે. જે અધિકારીઓ પાસે એક કરતાં વધુ ચાર્જ છે તેમાં સિટી એન્જિનિયર સ્પેશ્યલની એક જગ્યા અને મેનેજરની બે જગ્યાનો સમાવેશ થાય છે. એક તરફ મહાનગરપાલિકામાં 50 જેટલી મહત્વપુર્ણ જગ્યા ખાલી પડી છે ત્યારે બીજી તરફ વર્ગ-1ની સાત જગ્યાઓ ઓફિસર્સ સિલેક્શન કમિટીના આખરી પસંદગી માટે મોકલવામાં આવી છે જ્યારે વર્ગ -2ની મેનેજર કક્ષાની નવ જગ્યાઓ કોર્ટ કેકસ અનુસંધાને ભરતી થઇ શકી નથી.

Exit mobile version