સરકારી કંપની GMDC દ્વારા લિગ્નાઇટ-કોલસામાં વધારો ઝીંકતા રાજ્યના અનેક MSME યુનિટ્સની હાલત કફોડી, ફિકસ ભાવ રાખવા માંગ
ગુજરાતના ટેક્સટાઇલ પ્રોસેસિંગ યુનિટ્સને 2026ના પહેલા અર્ધવાર્ષિકમાં જીએમડીસીના કોલસા અને લિગ્નાઇટના ભાવમાં તીવ્ર વધારાને કારણે ખર્ચનું દબાણ વધી રહ્યું છે. નારોલ ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એન્વાયરો મેનેજમેન્ટ (એનટીઆઈઈએમ)એ રાજ્ય સરકારની ખાણ કંપની પાસે તાત્કાલિક રાહત અને સ્થિર ભાવની વ્યવસ્થા માટે માંગ કરી છે. સંઘના જણાવ્યા અનુસાર જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે કુલ છ વખત ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે કોલસા અને લિગ્નાઇટના ભાવમાં આશરે 60 ટકાનો વધારો થયો છે અને આ સમયગાળા દરમિયાન એક પણ વખત ભાવ ઘટાડવામાં આવ્યા નથી.
ટેક્સટાઇલ પ્રોસેસિંગ યુનિટ્સ બોઈલર અને થર્મિક ફ્લુઇડ હીટર ચલાવવા માટે કોલસો અને લિગ્નાઇટનો ઉપયોગ કરે છે, જે તેમના દૈનિક કાર્યનો મહત્વનો ભાગ છે. એનટીઆઈઈએમના જણાવ્યા અનુસાર ઇંધણ પ્રોસેસિંગ ખર્ચના લગભગ 25 ટકા હિસ્સો ધરાવે છે. વારંવાર થતા ભાવવધારાને કારણે કુલ ઉત્પાદન ખર્ચ વધી ગયો છે, જેના કારણે સ્થાનિક તેમજ નિકાસ બજારમાં યુનિટ્સની સ્પર્ધાત્મકતા ઘટી રહી છે. આ અસર માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ (એમએસએમઈ) પર વધુ તીવ્ર છે, કારણ કે તેઓ પહેલેથી જ સાંકડા માર્જિન પર કાર્ય કરે છે.
ઉદ્યોગ પહેલેથી જ નબળી વૈશ્વિક માંગ, વધુ ઇનપુટ કોસ્ટ, કડક કમ્પ્લાયન્સ જરૂૂરિયાતો અને પડોશી રાજ્યોની સ્પર્ધાનો સામનો કરી રહ્યો છે. જીએમડીસીના ઇંધણના ભાવવધારાએ ખર્ચમાં વધુ અંતર પેદા કર્યું છે અને ઉત્પાદનના નિર્ણયો, નિકાસ સ્પર્ધાત્મકતા, રોકાણની યોજનાઓ અને ભવિષ્યના વિસ્તરણને અસર કરી રહ્યો છે. એનટીઆઈઈએમના એક અધિકારીએ પત્રમાં જણાવ્યું હતું કે, જ્યારે ઇંધણ જ અમારા ખર્ચનો લગભગ એક ચતુર્થાંશ ભાગ છે, ત્યારે આવા વારંવારના આંચકા પ્રોસેસિંગ યુનિટ્સ સહન કરી શકતા નથી.
સંઘે જીએમડીસી અને રાજ્ય સરકારને ઇંધણના ભાવને તર્કસંગત બનાવવા અને બજારના પારદર્શક તેમજ વૈજ્ઞાનિક પરિમાણો સાથે જોડાયેલી સ્થિર અને અનુમાનિત ભાવ વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરી છે. તેમણે વારંવાર મહિનાવાર ભાવ સુધારાને રોકવાની પણ વિનંતી કરી છે, કારણ કે આવા ફેરફારો ઔદ્યોગિક આયોજનમાં અનિશ્ચિતતા પેદા કરે છે. ટેક્સટાઇલ પ્રોસેસિંગ જેવા આવશ્યક ઉદ્યોગો માટે લાંબા ગાળાના સ્થિર ભાવ અને ઇંધણની ગુણવત્તા અંગેની ખાતરી પણ માંગવામાં આવી છે.
એક નિકાસકાર પલાશ શાહે જણાવ્યું હતું કે, તાજેતરના મહિનાઓમાં કપાસના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે અને ઉપરાંત ઇંધણના વધુ ખર્ચે કુલ ઉત્પાદન ખર્ચમાં વધુ દબાણ ઊભું કર્યું છે, જે અમારી સ્પર્ધાત્મકતાને ગંભીર રીતે અસર કરી રહ્યું છે.
