રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે અટલ સરોવર ખાતે ધ્વજવંદન કરવામા આવશે. શહેરીજનોને દેશભક્તિના રંગે રંગવા માટે અને તેમનામાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ સુદ્રઢ કરવાના હેતુથી આ વર્ષે અનેકવિધ અને વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. શહેરના પ્રથમ નાગરિક અને મેયર ડો. નેહલ શુક્લના વરદ હસ્તે ગૌરવભેર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે. મેયર દ્વારા ધ્વજવંદન કર્યા બાદ તમામ ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકો રાષ્ટ્રગીતના સન્માનમાં જોડાશે. તૈયારીને આખરી ઓપ આપવા માટે સ્ટેન્ડીંગ ચેરમેન પરેશભાઇ પીપળિયાએ સ્થળ મુલાકાત લીધી હતી.
અટલ સરોવર ખાતે આયોજિત આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માત્ર ધ્વજવંદન પૂરતી સીમિત નહીં રહે, પરંતુ આ વખતે તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા અને જાગૃતિ માટે એક અત્યંત વિશેષ અને રોમાંચક આયોજન પણ કરવામાં આવ્યું છે. ઉજવણી દરમિયાન અટલ સરોવરની બિલકુલ સામે જ આવેલી એક વિશાળ 12 માળની ગગનચુંબી ઇમારતમાં મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી વિભાગ દ્વારા એક વિશેષ લાઈવ ડેમોન્સ્ટ્રેશન (નિદર્શન) રજૂ કરવામાં આવશે. આ પ્રદર્શન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃત કરવાનો છે. જ્યારે કોઈ બહુમાળી ભવન અથવા રહેણાંક ઇમારતોમાં અચાનક આગ લાગે અથવા તો એવી કોઈ મોટી દુર્ઘટના સર્જાય, ત્યારે કટોકટીની પળોમાં કઈ રીતે ત્વરિત બચાવ કામગીરી કરવામાં આવે છે તેનું જીવંત નિદર્શન અહીં પ્રદર્શિત કરાશે.
આ મોક ડ્રિલ અંતર્ગત ફાયર ફાઈટર્સ અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમ દ્વારા અત્યાધુનિક સાધનોની મદદથી ગગનચુંબી ઇમારતમાંથી ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની અદભુત અને સાહસિક તકનીકો દર્શાવવામાં આવશે. આ નિદર્શન જોઈને શહેરીજનો જાણી શકશે કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં આપણો ફાયર વિભાગ કઈ હદે જહેમત ઉઠાવીને નાગરિકોના જીવ બચાવે છે.
આગની દુર્ઘટનાઓ ઉપરાંત ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણી હોનારત સંબંધિત બચાવ કામગીરીનું પણ ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે સર્જાતી પૂરની સ્થિતિ, ડેમ ઓવરફ્લો થવાની ઘટનાઓ અથવા તો નદી-નાળામાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં નાગરિકો તણાઈ જાય તેવી ગંભીર પરિસ્થિતિઓ સર્જાતી હોય છે. આવી કુદરતી કે માનવસર્જિત જળ આપત્તિઓ વખતે પોતાના જીવનું રક્ષણ કઈ રીતે કરવું અને અન્યોને કઈ રીતે બચાવવા તેનું જીવંત નિદર્શન અટલ સરોવરના વિશાળ જળાશયમાં આપવામાં આવશે.
આ નિદર્શન અંતર્ગત તંત્રના નિષ્ણાત તરવૈયાઓ અને રેસ્કયૂ ટીમો દ્વારા કટોકટીના સમયે પાણીમાંથી સુરક્ષિત બહાર નીકળવાની વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને સાધનોના ઉપયોગ વિશે વિગતવાર તાલીમ અને માહિતી પૂરી પાડવામાં આવશે. શહેરીજનો આ લાઈવ પ્રદર્શન નિહાળીને આપત્તિના સમયે ગભરાયા વગર ધીરજપૂર્વક કઈ રીતે કદમ ઉઠાવવા તે શીખી શકશે. આ પ્રકારની તાલીમ સામાન્ય નાગરિકો માટે ખૂબ જ આશીર્વાદરૂૂપ સાબિત થશે, કારણ કે આનાથી કટોકટીની ક્ષણોમાં સામાન્ય લોકો પણ પ્રાથમિક બચાવ કામગીરી કરીને કોઈકનો કિંમતી જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકશે.
