સરધારમાં 6-લેન ગ્રીનફિલ્ડ બાયપાસ સામે વિરોધ, બજારભાવ મુજબ વળતરની માગણી

રાજકોટના સરધાર ગામના ખેડૂતો હાલમાં ગંભીર ચિંતામાં મુકાયા છે. સરધાર અને આસપાસના વિસ્તારમાંથી પસાર થનારા પ્રસ્તાવિત 6-લેન ગ્રીનફિલ્ડ બાયપાસના કારણે અસંખ્ય ખેડૂતોની વર્ષો જૂની પિયત…

રાજકોટના સરધાર ગામના ખેડૂતો હાલમાં ગંભીર ચિંતામાં મુકાયા છે. સરધાર અને આસપાસના વિસ્તારમાંથી પસાર થનારા પ્રસ્તાવિત 6-લેન ગ્રીનફિલ્ડ બાયપાસના કારણે અસંખ્ય ખેડૂતોની વર્ષો જૂની પિયત અને ફળદ્રુપ ખેતીની જમીનો સંપાદન હેઠળ આવી રહી છે. આ મામલે ગામના તમામ અસરગ્રસ્ત ખેડૂતોએ એકત્ર થઈને જિલ્લા કલેક્ટરને સામૂહિક વાંધા અરજી પાઠવી છે અને એલાઇનમેન્ટ બદલવાની ઉગ્ર માંગ કરી છે.

સરધારના ખેડૂતોનું કહેવું છે કે, આ જમીન માત્ર ખેતી માટેની જમીન નથી, પરંતુ તે તેમના પરિવારના જીવનનિર્વાહનો એકમાત્ર સ્ત્રોત છે. પ્રોજેક્ટના વર્તમાન એલાઇનમેન્ટને કારણે ખેતરો બે ભાગમાં વહેંચાઈ જશે અથવા સંપૂર્ણપણે નાશ પામશે. ખેડૂતોનું માનવું છે કે, જમીન વિભાજિત થવાથી ખેતરોમાં જવા-આવવાના રસ્તાઓ, અંડરપાસ અને પાણીના નિકાલની ગંભીર સમસ્યાઓ સર્જાશે.

ખેડૂતોએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત બાયપાસના એલાઇનમેન્ટની તાત્કાલિક પુન:સમીક્ષા કરવામાં આવે જેથી ફળદ્રુપ જમીન બચાવી શકાય. જો જનહિતમાં સંપાદન અનિવાર્ય જ હોય, તો કાયદાકીય જોગવાઈ મુજબ યોગ્ય બજારભાવનું વળતર અને ખેડૂતોના પુનર્વસનની સંપૂર્ણ ખાતરી આપવામાં આવે. સરકારે અગાઉ કરેલા સર્વેમાં જે ક્ષતિઓ રહી ગઈ હોય તેને ધ્યાને લઈ, ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે સીધી વાતચીત કરી રસ્તો કાઢવો જોઈએ.

સરધારના ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તેમની માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો તેઓ પોતાના હિતોના રક્ષણ માટે ઉગ્ર લડત આપશે. હાલ આ મામલે કલેક્ટર કચેરીમાં અરજી આપીને સામાજિક અને આર્થિક ન્યાયની આશા વ્યક્ત કરવામાં આવી છે. આ સમગ્ર મામલે હવે સરકારી તંત્ર શું નિર્ણય લે છે, તે જોવું રહ્યું.