મિલકત વેરા ચેક રીટર્ન મામલે RMC આકરા પાણીએ: 62 સામે એફઆઈઆર

રાજકોટ મહાનગરપાલિકાના ખજાનામાં મિલકત વેરા પેટે જમા કરાવેલા કરોડો રૂૂપિયાના ચેકો વગર વસૂલાતે પરત ફરતા મનપાના ટેક્સ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આર્થિક વ્યવહારોમાં પારદર્શિતા…

રાજકોટ મહાનગરપાલિકાના ખજાનામાં મિલકત વેરા પેટે જમા કરાવેલા કરોડો રૂૂપિયાના ચેકો વગર વસૂલાતે પરત ફરતા મનપાના ટેક્સ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આર્થિક વ્યવહારોમાં પારદર્શિતા લાવવાના દાવાઓ વચ્ચે એકસાથે 757 જેટલા ચેકો બાઉન્સ થતા તંત્રએ આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે. કુલ 4.56 કરોડની વસૂલાત અટકી પડતા મનપા કમિશનરની સૂચનાથી ટેક્સ બ્રાન્ચ દ્વારા કસૂરવાર કરદાતાઓ સામે ધોંસ બોલાવવાનું શરૂૂ કરાયું છે.

મનપાના ટેક્સ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી તમામ 757 મિલકત ધારકોને કાયદેસરની લીગલ નોટિસ ફટકારવામાં આવી હતી. તંત્રના આ કડક વલણને પગલે કરચોરોમાં ફફડાટ ફેલાયો હતો. નોટિસની અસર એટલી તીવ્ર રહી કે 757 પૈકી 695 મિલકત ધારકોએ પેનલ્ટી અને કાયદેસરની ગૂંચવણથી બચવા માટે તાત્કાલિક મનપાની કચેરીએ દોડી જઈને પોતાની વેરાની રકમ રોકડમાં જમા કરાવી દીધી હતી.

બીજી તરફ, મનપાની નોટિસ મળવા છતાં પણ જે મિલકત ધારકોએ વેરો ભરપાઈ કરવાની તસ્દી લીધી નથી, તેવા 62 બાકીદારો સામે મનપાએ કડક વલણ અપનાવ્યું છે. આ 62 આસામીઓ સામે ’નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ’ (ચેક રિટર્ન) ની કલમો હેઠળ પોલીસ ફરિયાદ અને કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. મનપાની આ આક્રમક કાર્યવાહીને પગલે અન્ય વેરો ન ભરનારા તત્વોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.