રિંગ રોડ-1ની ધરમૂળથી થશે કાયાપલટ, સાઇકલ ટ્રેક પર મૂકાશે કાતર

પ્રથમ તબક્કે રૂૂ.15 કરોડના ખર્ચની પણ જોગવાઇ, ટેન્ડર માટે ચાલતી પ્રક્રિયા વચ્ચે આવતા બીઆરટીએસ ટ્રેકની પહોળાઇ પણ ઘટશે, રોડની બન્ને બાજુ ઉંચા પામ સહિતના વૃક્ષોનું…

પ્રથમ તબક્કે રૂૂ.15 કરોડના ખર્ચની પણ જોગવાઇ, ટેન્ડર માટે ચાલતી પ્રક્રિયા

વચ્ચે આવતા બીઆરટીએસ ટ્રેકની પહોળાઇ પણ ઘટશે, રોડની બન્ને બાજુ ઉંચા પામ સહિતના વૃક્ષોનું પ્લાન્ટેશન કરી રિંગ રોડની સમૂળગી સિકલ જ બદલી નખાશે

એક સમયે રાજકોટની ભાગોળે કહેવાતો રિંગરોડ-1 જે રીતે પશ્ચિમ વિસ્તારનો વિકાસ થયો છે એ જોતા છેલ્લા એક જ દસકામાં શહેરની મધ્યમાં આવી ગયો છે અને આ રિંગરોડ-1 પર ટ્રાફિકનું ભારણ એ હદે વધી ગયુ છે કે, છાંશવારે અહીં નાના-મોટા અકસ્માતો વધ્યા છે. તેની પાછળનું એક કારણ એ છે કે, રિંગરોડ-1ની પહોળાઇ હવે ટુંકી પડવા લાગી છે. તેનો કાયમી ઉકેલ લાવવા માટે મનપાએ રિંગરોડ-1ની સમુળગી ડિઝાઇન જ બદલી નાખવાનો નિર્ણય લીધો છે. રિંગરોડ- 1ની ધરમુળથી કાયાપલટ કરી નાખવામા આવશે. નવી ડિઝાઇનમાં રોડની બન્ને બાજુથી સાયકલ ટ્રેક ઉપર કાતર ફેરવી નાખવામા આવશે. વચ્ચે આવતા બીઆરટીએસ ટ્રેકની પહોળાઇ પણ ઘટાડી નાખવામા આવશે. આમ રિંગરોડ-1ની પહોળાઇ વધારીને બન્ને બાજુ ઉંચા પામ સહિતનું આકર્ષણ બ્યુટિફિકેશન કરવામા આવશે.

ચૂંટણીની આચારસંહિતાના કારણે અટકી પડેલા શહેરના મોટા વિકાસ પ્રોજક્ટને હવે બમણા વેગે આગળ ધપાવવા માટે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ તમામ મોટા પ્રોજેક્ટ એકસાથે હાથ પર લીધા છે. એ પૈકી શહેરની માથાફાડ ટ્રાફિક સમસ્યાથી ઘેરાઇ ગયેલા રિંગરોડ-1ના પ્રોજેક્ટમાં દોઢસો ફૂટ રિંગરોડની આખી કાયાપલટ થવા જઇ રહી છે.

આ રોડ પર રોજેય નાના-મોટા અકસ્માતો થવા લાગ્યા છે. ત્યા સુધી કે થોડા દિવસો પહેલા જ ખુદ મનપાની સિટી બસે એકસાથે અનેક વાહનોને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઉપરાંત માધાપર ચોકડી પાસે એક આશાસ્પદ યુવાન અને રૈયા ચોકડી પાસે પોતાની દીકરીને લઇને જતી એક માતાએ વાહન અડફેટે જીવ ગુમાવ્યો હતો. અકસ્માતની નાની-મોટી ઘટનામાં ગંભીર ઇજા થવાના બનાવો તો હવે કાયમી બની ગયા છે. અકસ્માત ઝોન બની ગયેલા રિંગરોડ-1ની આવી હાલત પાછળ કારણ એ છે કે, રિંગરોડ-1 હવે શહેરની મધ્યે આવી ગયો છે. વધતા વાહન ટ્રાફિકના લીધે રોડની પહોળાઇ ટુંકી પડવા લાગી છે. રોડને કઇ રીતે પહોળો કરવો? તે માટે લાંબા અભ્યાસ બાદ હવે નવી ડિઝાઇનથી રિંગરોડ-1ની કાયાપલટ કરવામા આવશે.

નવી ડિઝાઇનમાં હાલમાં રોડની બન્ને બાજુ સાયકલ ટ્રેક છે એ કાઢી નાખવામા આવશે. આ ઉપરાંત સેન્ટ્રલમાં બીઆરટીએસ બસ માટેનો જે સિમેન્ટ ટ્રેક છે તેની પહોળાઇ પણ ઘટાડી નાખવામા આવશે(બસને આમને-સામનેથી પસાર થવામાં અનુકુળ રહે તેટલી જગ્યા રાખીને) આ બન્ને ફેરફાર કરવાથી રોડની પહોળાઇમાં બહુ મોટો ફરક આવી શકશે. દોઢસો ફૂટથી પણ વધુ પહોળાઇનો રસ્તો બને તો નવાઇ નહીં રહે. આ સમગ્ર કામ માટે પ્રથમ તબક્કે રૂૂ.15 કરોડના ખર્ચની જોગવાઇ કરવામા આવી છે અને કામ આપવા માટે ટેન્ડર તૈયાર થઇ રહ્યુ હોવાનું જાણવા મળે છે. ચાલુ મહિનાના અંત સુધીમાં જ ટેન્ડર બહાર પાડી દેવામા આવશે.

અમદાવાદના એસ.જી. હાઇવેની જેમ રોડની સાઇડમાં ફૂડ સ્ટોલની પણ વિચારણા
અમદાવાદના એસ.જી. હાઇ-વે જે રીતે ડેવલપ કરવામા આવ્યો એ જ ડિઝાઇનથી રિંગરોડ-1માં ફેરફાર થવા જઇ રહ્યો છે. રોડ ખાસ્સો એવો પહોળો બનશે. દોઢસો ફૂટના રિંગરોડની આ કાયાલટમાં જે રીતે એસજી હાઇવે પર કોઇને નડતરરૂૂપ ન થાય એ રીતે નાના એવા ફૂડ સ્ટોલ છે તેવા ફૂડ સ્ટોલ બનાવવાની પણ વિચારણા છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનીરશીપથી આવા ફૂડ સ્ટોલ બનાવી લીઝ પર આપી શકાય તેવી વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે.