દિવાનપરામાં મચ્છો માતાના મંદિરમાં ચોરી કરનાર રિક્ષા તસ્કરની ધરપકડ

શહેરના દિવનાપરા વિસ્તારમાં આવેલા મચ્છો માતાજીના મંદિરમાં થયેલી દાનપેટી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચની ટીમે ઉકેલી નાખી મંદિરમાંથી ચોરી કરનાર રીઢા તસ્કરને ઝડપી પાડી પોલીસે ચોરીમાં…

શહેરના દિવનાપરા વિસ્તારમાં આવેલા મચ્છો માતાજીના મંદિરમાં થયેલી દાનપેટી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચની ટીમે ઉકેલી નાખી મંદિરમાંથી ચોરી કરનાર રીઢા તસ્કરને ઝડપી પાડી પોલીસે ચોરીમાં ગયેલી રોકડ રકમ કબજે કરી છે. પકડાયેલો આરોપી ભૂતકાળમાં પણ અનેક ધાર્મિક સ્થળો અને મકાનોમાં ચોરીના ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. દાનપેટીમાંથી રૂ. 12,500ની ચોરીનો ખુલાસો મળતી વિગતો અનુસાર, દિવનાપરા શેરી નં. 11/17ના ખૂણે આવેલા મચ્છો માતાના મંદિરમાં તસ્કરે ત્રાટકીને દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી હતી.

શરૂઆતમાં મંદિર સત્તાવાળાઓ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં દાનપેટીમાંથી અંદાજે રૂ. 60,000 ની ચોરી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, ક્રાઇમ બ્રાંચના પીઆઈ વી.ડી. રાવલીયા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી ઊંડાણપૂર્વકની તપાસ અને સઘન પૂછપરછમાં દાનપેટીમાંથી રૂ. 60 હજાર નહીં પરંતુ રૂ. 12,500ની ચોરી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે આરોપી પાસેથી ચોરી કરાયેલા તમામ રૂ. 12,500 કબજે કર્યા છે.

આરોપીની ઓળખ અને મોડસ ઓપરેન્ડી ક્રાઇમ બ્રાંચે સીસીટીવી ફૂટેજના આધારે દાનપેટી ચોરી કરનાર મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ રાજકોટમાં રહેતા વિવેક બિરેન્દ્રસિંહ ચૌહાણ (ઉંમર વર્ષ 40) નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, તે ચોરી કરતા પહેલા મંદિરની આસપાસના વિસ્તારની રેંકી કરતો હતો અને અનુકૂળ સમય જોઈને ચોરીને અંજામ આપતો હતો. પકડાયેલો આરોપી વિવેક બિરેન્દ્રસિંહ ચૌહાણ રીઢો તસ્કર છે. આ અગાઉ પણ તેણે જામનગર રોડ પર આવેલા પ્રસિદ્ધ ખાટુ શ્યામ મંદિરમાં ચોરી કરી હતી, જેમાં પણ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ખાટુ શ્યામ મંદિર ચોરી કેસમાં લાંબો સમય જેલની હવા ખાધા બાદ થોડા સમય પહેલાં જ તે જેલમાંથી છૂટ્યો હતો.

જેલમાંથી બહાર આવતા જ તેણે ફરીથી ગુનાખોરીનો રાહ અપનાવી મચ્છો માતાજીના મંદિરને નિશાન બનાવ્યું હતું. આરોપી સામે રાજકોટ શહેરના વિવિધ પોલીસ મથકો તેમજ જામનગરમાં ચોરીના 19 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. ક્રાઇમ બ્રાંચના પી.આઈ એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવની ટીમના પીએસઆઈ વી.ડી.રાવલીયા. એ.એસ.આઇ. સમીરભાઈ શેખ, સાગરભાઈ માવદીયા, દીપકભાઈ ડાંગર, મુકેશભાઈ સબાડ, યજુવેન્દ્રસિંહ જાડેજા ,જીલુભાઈ ગરચર, મનીષભાઈ ચાવડા, અશ્વિનભાઈ પંપાણીયાએ કામગીરીમાં કરી હતી.