Site icon Gujarat Mirror

ઠાસરામાં બોરવેલની માટી ધસી પડતા ખેતર માલિક-મજૂરનું મોત

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા હેઠળના રસુલપુર ગામે આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. ખેતરમાં સિંચાઈ માટે પાણીની જરૂૂરિયાત પૂરી કરવા માટે બોરવેલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી, જે દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડતા ખેતર માલિક અને એક મજૂરનું કરુણ મોત નીપજ્યું છે. આ આકસ્મિક દુર્ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી અનુસાર, રસુલપુર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં બોરવેલ ખોદવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ખોદકામ જ્યારે ઊંડાઈ પર પહોંચ્યું ત્યારે અચાનક ઉપરથી માટી ધસી પડી હતી. આ સમયે બોરની નજીક ઉભેલા ખેતર માલિક અને અંદર કામ કરી રહેલા મજૂર માટીના તોતિંગ જથ્થા નીચે દબાઈ ગયા હતા.

આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂૂ કરી હતી, પરંતુ માટીનો જથ્થો વધુ હોવાથી બંનેને સમયસર બહાર કાઢી શકાયા નહોતા.

આ ઘટનાની જાણ થતા જ ઠાસરા પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર ઘટનાસ્થળે દોડી ગયું હતું. કલાકોની જહેમત બાદ માટી નીચે દબાયેલા ખેતર માલિક અને મજૂરના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ખેતરમાં પાણી લાવવાની આશા સાથે શરૂૂ થયેલી કામગીરીના અંતે બે ઘરના ચિરાગ ઓલવાઈ જતાં પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે.

Exit mobile version