રાજકોટ કાયમી લોક અદાલતના ચેરમેન પદે નિવૃત્ત જજ નરેન્દ્રભાઈ પીઠવાની નિમણૂક

ફી રેગ્યુલેટરી કમિટી સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ન્યાયિક અને શૈક્ષણિક વર્તુળો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મૂળ ગોંડલના…

ફી રેગ્યુલેટરી કમિટી સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ન્યાયિક અને શૈક્ષણિક વર્તુળો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મૂળ ગોંડલના વતની અને નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ નરેન્દ્રભાઈ પીઠવાની રાજકોટ ખાતે કાયમી લોક અદાલતના ચેરમેન તરીકે સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. આ નવી જવાબદારી સંભાળતા પહેલા તેઓ ગુજરાત સરકાર દ્વારા સ્વનિર્ભર શાળાઓના ફી નિર્ધારણ માટે કાર્યરત ફી રેગ્યુલેટરી કમિટી (ઋછઈ), સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી રહ્યા હતા.

તેઓએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું, જેને રાજ્ય સરકાર દ્વારા વિધિવત રીતે સ્વીકારી મંજૂર કરવામાં આવ્યું છે. ગુજરાત લીગલ સર્વિસીસ ઓથોરિટી એકટની વિશેષ જોગવાઈઓ અનુસાર નરેન્દ્રભાઈ પીઠવાની રાજકોટ ખાતેની કાયમી લોક અદાલતના ચેરમેન પદે પસંદગી કરવામાં આવી છે. દીર્ઘ ન્યાયિક કારકિર્દી ધરાવતા પીઠવા પૂર્વે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ તરીકે વહીવટી અને ન્યાય ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. તેમની આ મહત્વપૂર્ણ નિયુક્તિથી કાયમી લોક અદાલત મારફતે સામાન્ય નાગરિકોના જાહેર ઉપયોગી સેવાઓ સંબંધિત પ્રશ્નો અને વિવાદોનો સત્વરે, શાંતિપૂર્ણ અને બિનખર્ચાળ રીતે ઉકેલ લાવવામાં મદદ મળશે.

ખાનગી શાળાઓમાં નિયમિત ફી નિર્ધારણ અને પારદર્શિતા જાળવવા માટે રાજ્ય સરકાર દ્વારા ગઠિત ફી રેગ્યુલેટરી કમિટીના સૌરાષ્ટ્ર ઝોનના વડા તરીકે નરેન્દ્રભાઈ પીઠવાએ પ્રશંસનીય કામગીરી બજાવી હતી. વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચેના જટિલ મુદ્દાઓને ન્યાયિક દ્રષ્ટિકોણથી સુલઝાવવામાં તેમની ભૂમિકા અગત્યની રહી હતી. હવે જ્યારે રાજ્ય સરકારે તેમનું રાજીનામું મંજૂર કરી રાજકોટ કાયમી લોક અદાલતના ચેરમેન તરીકેની નવી જવાબદારી સોંપી છે, ત્યારે સૌરાષ્ટ્રના ન્યાયિક આલમ તેમજ ગોંડલ અને રાજકોટના અગ્રણીઓ દ્વારા તેમની આ નિયુક્તિને આવકારીને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.