Site icon Gujarat Mirror

જોડિયા-બાલંભા નજીક અજાણ્યા વાહન અડફેટે ત્રણ મહિલા પદયાત્રીનાં મોત

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલમભા ગામના પાટિયા પાસે આજે વહેલી સવારે પાટણ જિલ્લાના સાંતલપુરથી દ્વારકાધીશના દર્શને જઈ રહેલ એક પદયાત્રી સંઘ ઉપર અજાણ્યુ વાહન કાળ બનીને ત્રાંટકતા ત્રણ પદયાત્રી મહિલાના કરુણ મોત નિપજ્યા હતાં. આ ઘટનાથી રોડ ઉપર ભારે અફરાતફરી મચી જવા પામી હતી. ઘટના સ્થળે અન્ય પદયાત્રીઓએ 108ને કોલ કરતા 108ના કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ ઘવાયેલી મહિલાઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી પરંતુ સારવાર મળે તે પહેલા જ ત્રણેય મહિલાના કરુણ મોત નિપજ્યા હતાં.

આ કરુણ દુર્ઘટનામાં મુળ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બકુતરા ગામના રહેવાસી ત્રણેય મૃતકોના નામ જાનુબેન બકુતરિયા, રૂડીબેન બકુતરિયા અને સેજુબેન બકુતરિયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ કરુણ બનાવની જાણવા મળતી વિગતો મુજબ પાટણ જિલ્લાના સાંતલપુરથી ચાલીને દ્વારકાધીશના દર્શને જઈ રહેલ સંઘ આજે વહેલી સવારે ધ્રોલ નજીક આવેલ જોડિયા તાલુકાના બાલંભા ગામના પાટિયા પાસે પહોંચ્યો ત્યારે પુરઝડપે પાછળથી ધસી આવેલા અજાણ્યા વાહને અડફેટે લેતા ચાલીને જઈ રહેલ ત્રણ મહિલાના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતાં.

આ ઘટના અંગે 108ને જાણ કરાતા 108ના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ ઘવાયેલી મહિલાઓને હોસ્પિટલે ખસેડી હતી. પરંતુ ત્રણેયના મૃતદેહ જ હોસ્પિટેલ પહોંચ્યા હતાં. આ અકસ્માતની જાણ થતાં ધ્રોલ અને જોડિયા બન્ને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મળતી માહિતી મુજબ પાટણના સાંતલપુરનો આ પદયાત્રી સંઘ આહિર સમાજની મહિલાઓનો છે અને મહિલાઓ દ્વારકાધીશના દર્શને જઈ રહી હતી. આજે વહેલી સવારે આ સંઘ બાલંભા ગામના પાટિયાથી આગળ જતાં જ અજાણ્યુ વાહન કાળ બનીને ત્રાંટક્યું હતું. અકસ્માત સર્જીને નાશી છુટેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Exit mobile version