મહિલાઓને વિકાસયાત્રામાં લાભાર્થી નહીં ભાગીદાર બનાવવાનો નિર્ધાર : મુખ્યમંત્રી

રાજ્યની બહેનોને નવરાત્રિની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આજે 27 જિલ્લામાં બસ સ્ટેશનો પર સખીમંડળ સંચાલિત 136 જેટલા ગ્રામહાટનું રાજકોટથી ઈ-લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે…

રાજ્યની બહેનોને નવરાત્રિની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આજે 27 જિલ્લામાં બસ સ્ટેશનો પર સખીમંડળ સંચાલિત 136 જેટલા ગ્રામહાટનું રાજકોટથી ઈ-લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે મહિલાલક્ષી વિવિધ પહેલો સાથે ત્રિ-દિવસીય સરસ મેળાનો શુભારંભ કરાવ્યો હતો. ગૃહ નારીને લક્ષ્મી સ્વરૂૂપા બનાવતી આ પહેલોની જાહેરાતને રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સભામાં ઉપસ્થિત હજારો બહેનોએ હર્ષભેર વધાવી લીધી હતી.
ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું કે, મહિલાઓને વિકાસયાત્રામાં માત્ર લાભાર્થી નહીં, પરંતુ ડેવલપમેન્ટ પાર્ટનર બનાવવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો નિર્ધાર છે.

આ તકે મુખ્યમંત્રીએ સૌને આવતીકાલથી શરૂૂ થઈ રહેલી નવરાત્રિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી. મહિલાઓને આર્થિક પગભર બનાવવાના ભાગરૂૂપે આજે અનેક નવી પહેલો શરૂૂ કરવા બદલ તેમણે મંત્રી અને વિભાગને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, રાજ્યના 136 બસ સ્ટેશનોમાં સખીમંડળ સંચાલિત ગ્રામહાટના શુભારંભ સાથે અહીં 13 એમ.ઓ.યુ. થયા છે.

બસ સ્ટેશનો અને રેલવે સ્ટેશન પર સ્વસહાય જૂથની બહેનોના ઉત્પાદનના વેચાણ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેનાથી ગ્રામીણ માતા-બહેનોના હસ્તકલા ઉત્પાદનો અને ગૃહ ઉદ્યોગની ખાદ્ય સામગ્રીઓને વિશાળ બજાર મળશે અને વોકલ ફોર લોકલ મંત્ર સાર્થક થશે.

મહિલાઓને સફળ ડિજિટલ ઉદ્યોગ સાહસિક બનાવવા એન. આઈ.એફ.ટી., માઈકા, ડી.ડબલ્યુ. આઈ.આઈ. જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા મેન્ટરશિપ અને માર્ગદર્શન પૂરું પાડવા વિશેષ પહેલ શરૂૂ કરાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ સાથે કહ્યું હતું કે, અમૂલ દ્વારા રાજ્યમાં 18 હજાર ગામોમાં મહિલા સંચાલિત મિલ્ક પાર્લર શરૂૂ કરવામાં આવશે. આ માટે આજે જી.એલ.પી.સી. અને અમૂલ વચ્ચે એમ.ઓ.યુ. થયા છે.
મુખ્યમંત્રીએ આજના પ્રસંગને શક્તિ ઉપાસનાના પર્વ પહેલા નારીશક્તિને સમૃદ્ધ કરવાની ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાનો અવસર ગણાવ્યો હતો. વુમન લેડ ડેવલપમેન્ટના મિશનનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યભરમાં અઢી લાખ જેટલા સખીમંડળોની 30 લાખ ગ્રામીણ બહેનો પોતાના કૌશલ્યથી માતબર આર્થિક આવક મેળવતી થઈ છે.

આજે શરૂૂ થયેલી પહેલો ગ્રામીણ ગુજરાતની આવનાર સમયની સમૃદ્ધિનો પાયો બનશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ આ તકે વ્યક્ત કર્યો હતો. પ્રધાન સેવક તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સૌ માતા-બહેનોના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને દેશભરની નારી શક્તિનું ગૌરવ વધાર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આ અવસરે રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાઈવલીહુડ પ્રમોશન કંપનીની સ્થાપના કરવામાં આવી હતી, જેના પરિણામે સખી મંડળોની રચના થઈ અને મહિલાઓના જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યો છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રે અદભુત ક્રાંતિ આવી છે. રાજ્યભરમાં કાર્યરત અંદાજે 03 લાખથી વધુ સખી મંડળો થકી મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર અને સશક્ત બની રહી છે. આજે કાર્યક્રમમાં થયેલા વિવિધ એમ.ઓ.યુ.નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, સહકાર અને પશુપાલન વિભાગના સંકલનથી મહિલાઓની આર્થિક ઉડાનને પાંખો મળશે.

સ્વ સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ઉત્પાદનોના માર્કેટિંગ અને વેચાણ માટે જગ્યા અને બજાર મળે તે હેતુથી જી.એલ. પી.સી. દ્વારા રેલવે, જી.એસ. આર.ટી.સી., રાજ્યના પશુપાલન અને સહકાર વિભાગ, અમૂલ, માઇકા, ઈ.ડી. આઈ. આઈ., એન.આઈ.એફ.ટી., સરદાર પટેલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેમજ એસ.બી.આઈ., પી.એન.બી., આઈ.સી.આઈ.સી.આઈ., બી.ઓ.બી., સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે મળીને 13 સમજૂતિ કરાર કરવામાં આવ્યા હતા.

મેયર જોતા રહ્યા અને ધારાસભ્ય પાડલીયા સીએમનું સ્વાગત કરી ગયા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યભરમાં સખી મંડળો દ્વારા સંચાલિત 136 ગ્રામહાટનું લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, જીતુ વાઘાણી અને રાજ્યકક્ષાના મંત્રી સંજયસિંહ મહિડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિકાસલક્ષી કાર્યક્રમની સાથે સ્થળ પર થયેલી એક ઘટનાએ પણ ધ્યાન ખેંચ્યું હતું. મળેલી માહિતી મુજબ, ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મેયરની હાજરી હોવા છતાં પાડલીયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હોવાની વાત ચર્ચાનો વિષય બની હતી. પાડલીયાએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું ત્યારે મેયર જોતા રહ્યા હોવાની વાત પણ સ્થાનિક ચર્ચામાં રહી હતી. જોકે, આ દૃશ્ય પાછળ કોઈ રાજકીય મતભેદ કે ઇરાદો હતો એવું સાબિત કરતી માહિતી ઉપલબ્ધ નથી.

સદ્ભાવના વૃધ્ધાશ્રમનું ઉદ્ઘાટન, વડિલોના ખબર અંતર પૂછી આત્મીય સંવાદ કરતા સીએમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે તેમની રાજકોટ મુલાકાત દરમિયાન રાજકોટના મોટા રામપર ગામે સદભાવના સેવા ફાઉન્ડેશન સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ વડીલોને અપાતી હૂંફસભર સુવિધાઓ નિહાળી હતી. મુલાકાત બાદ મુખ્યમંત્રીના હસ્તે સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે તૈયાર કરવામાં આવેલા ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીએ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે આત્મીયતા ભર્યો સંવાદ કર્યો હતો. વડીલોના ચહેરા પર છવાયેલી પ્રસન્નતા અને મુખ્યમંત્રીના માયાળુ સ્વભાવે ઉપસ્થિતોના હૃદય સ્પર્શી લીધા હતા. આ તકે સદભાવના વૃદ્ધાશ્રમના સંચાલક મંડળે સંસ્થાના આગામી આયોજન અંગે મુખ્યમંત્રીને વિગતો પણ આપી હતી. અત્રે નોંધનીય છે કે, રાજકોટ-જામનગર હાઇવે, પડધરી પાસે, મોટા રામપર ગામે સદભાવના સેવા ફાઉન્ડેશન દ્વારા રૂૂ.12 કરોડના ખર્ચે 1,000 વ્યક્તિઓની બેઠક ક્ષમતાવાળું ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યું છે, જે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમો અર્થે સૌ કોઈ માટે કાયમી ધોરણે નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે.