કચ્છમાં 150 વર્ષ પછી દુર્લભ આફ્રો-એશિયન રેતીયો સાપ દેખાયો

કચ્છમાં 150 વર્ષ પછી દુર્લભ આફ્રો-એશિયન રેતીયો સાપ સેન્ડ સ્નેક જોવા મળ્યો છે. ગુજરાત વન વિભાગના ભુજ નોર્થ રેન્જના 32 વર્ષીય રેન્જ ફોરેસ્ટ ઑફિસર જયેશ…

કચ્છમાં 150 વર્ષ પછી દુર્લભ આફ્રો-એશિયન રેતીયો સાપ સેન્ડ સ્નેક જોવા મળ્યો છે. ગુજરાત વન વિભાગના ભુજ નોર્થ રેન્જના 32 વર્ષીય રેન્જ ફોરેસ્ટ ઑફિસર જયેશ દુમડિયાએ કાલા ડુંગર પાસે આ સાપનો ફોટો અને વીડિયો લઈને નોંધ કરી છે. નિષ્ણાતોએ તેને સામોફિસ સ્કોકારી તરીકે ઓળખાવ્યો છે.

આ મહિનાની શરૂૂઆતમાં પંચમહાલથી કચ્છ ખસેડાયેલા યુવાન વન અધિકારી ભુજ નજીકના કાલા ડુંગર વિસ્તારમાંથી પેટ્રોલિંગ કરીને પાછા આવી રહ્યા હતા. સાંજના અંધારામાં વાહનની આગળ રસ્તા પર એક અજાણ્યો સાપ દેખાયો. અધિકારીએ તેના ફોટા અને વીડિયો લઈને નિષ્ણાતોને મોકલ્યા. તમામે એકસરખો અભિપ્રાય આપ્યો કે આ આફ્રો-એશિયન સેન્ડ સ્નેક છે.

જયેશ દુમડિયાએ જણાવ્યું કે 6 સપ્ટેમ્બરે સાંજે આશરે 7:30 વાગ્યે પેટ્રોલિંગ પૂરું કરીને પાછા આવતાં બ્લેક-હેડેડ રોયલ સ્નેક વાહનની આગળથી પસાર થયો. જિજ્ઞાસાથી તેઓ રોકાયા અને ફોટો લેવા ઉતર્યા. સ્ટાફ આસપાસ હોવાથી સાપે બચાવની સ્થિતિમાં વાહનમાં પ્રવેશ કર્યો. તેને બહાર કાઢતાં બીજો સાપ રસ્તા પર દેખાયો.

આ બીજો સાપ તેમને નવો લાગ્યો, તેથી તેના ફોટા-વીડિયો નિષ્ણાતો, સ્નેક રેસ્ક્યુઅર્સ અને વૈજ્ઞાનિકોને મોકલ્યા. તેમણે પુષ્ટિ કરી કે આ આફ્રો-એશિયન સેન્ડ સ્નેક છે. કચ્છમાં આ પ્રજાતિની છેલ્લી પુષ્ટિ થયેલી નોંધ 1872ની છે. તે વખતે ચેક પેલિયોન્ટોલોજિસ્ટ ફર્ડિનાન્ડ સ્ટોલિચ્કાએ આ વિસ્તારમાં તેની હાજરી નોંધી હતી. ત્યારબાદ બે-ત્રણ વખત દેખાયાના દાવા થયા, પણ પુષ્ટિ ન થઈ.

આ સાપ સામાન્ય સેન્ડ બોઆથી અલગ છે. તે અર્ધ-ઝેરી છે, દિવસે ગરોળી, ઉંદર અને નાના પક્ષીઓનો શિકાર કરે છે અને સામાન્ય રીતે મનુષ્ય માટે હાનિકારક નથી. તે ગુજરાત અને રાજસ્થાનના શુષ્ક વિસ્તારોથી લઈને પશ્ચિમ એશિયા અને આફ્રિકા સુધી જોવા મળે છે, પણ દર્શન દુર્લભ છે.