રાષ્ટ્રીય

દુષ્કર્મનાં દોષિતને 10 જ દિવસમાં અપાશે ફાંસીની સજા, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં એન્ટી રેપ બિલ પાસ

Published

on

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આજે બળાત્કાર વિરોધી બિલ પસાર કરવામાં આવ્યું હતું. નવા કાયદા હેઠળ રેપ કેસની તપાસ 36 દિવસમાં પૂરી કરવાની રહેશે. આ સિવાય જો પીડિતા કોમામાં જાય અથવા મૃત્યુ પામે તો 10 દિવસની અંદર ગુનેગારને ફાંસી આપવામાં આવશે. આ બિલને આગળ રાજ્યપાલને મોકલવામાં આવશે. તેમની સહી બાદ તે કાયદો બની જશે.

મમતા સરકારે બળાત્કાર વિરોધી બિલને ‘અપરાજિતા’ વુમન એન્ડ ચિલ્ડ્રન બિલ (પશ્ચિમ બંગાળ ક્રિમિનલ લો એન્ડ એમેન્ડમેન્ટ) બિલ 2024 નામ આપ્યું છે. રાજ્ય સરકારે બિલ પસાર કરવા માટે 2 સપ્ટેમ્બરથી બે દિવસ માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. કાયદા મંત્રી મલય ઘટકે વિધાનસભામાં તેની રજૂઆત કરી હતી.

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 8-9 ઓગસ્ટના રોજ તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ પછી, દેશભરમાં ડોકટરો અને રાજકીય પક્ષોના વિરોધ પછી મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેઓ રાજ્યમાં બળાત્કાર જેવા ગુનાઓ માટે કડક કાયદો બનાવશે. આ માટે તેમણે વડાપ્રધાનને બે વખત પત્રો પણ લખ્યા હતા.

એન્ટી રેપ બિલની જોગવાઈઓ 4 મુદ્દામાં વાંચો…

  1. અપરાજિતા વુમન એન્ડ ચિલ્ડ્રન બિલ 2024નો હેતુ મહિલાઓ અને બાળકોની સુરક્ષાને મજબૂત કરવાનો છે.
  2. પ્રસ્તાવિત બિલ કાયદા હેઠળ, બળાત્કાર સંબંધિત કેસમાં તપાસ 21 દિવસમાં પૂર્ણ કરવાની છે, જે 15 દિવસ સુધી લંબાવી શકાય છે.
  3. બળાત્કારના કેસમાં દોષિત વ્યક્તિ માટે મૃત્યુદંડની જોગવાઈ હશે, જો પીડિતા મૃત્યુ પામે અથવા કોમામાં જાય છે.
  4. આ બિલ જિલ્લા સ્તરે ‘સ્પેશિયલ ટાસ્ક ફોર્સ’ની રચનાનું પણ સૂચન કરે છે, જેને ‘અપરાજિતા ટાસ્ક ફોર્સ’ કહેવામાં આવશે. તેનું નેતૃત્વ ડેપ્યુટી એસપી સ્તરના અધિકારીઓ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version