ડેડિયાપાડામાં વનકર્મચારીઓ પર હુમલાના કેસમાં નર્મદા ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટનો ચૂકાદો
ચૈતર વસાવાના ધારાસભ્ય પદ ઉપર જોખમ, આમ આદમી પાર્ટીને જબરો ફટકો, ગુજરાતના રાજકારણમાં ખળભળાટ
ગુજરાતમાં ત્રીજો વિકલ્પ બનવા માટે ઝઝૂમી રહેલી આમ આદમી પાર્ટીને જબરો ફટકો પડયો છે. આપના લડાયક અને આદિવાસી વિસ્તારમાં ભારે લોકચાહના ધરાવતા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેની પત્ની સહીત 8 લોકોને વન કર્મચારીઓ પરના હુમલાના કેસમાં સ્થાનિક કોર્ટે સાત વર્ષની કેદની સજા અને દંડ ફટકારતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. આ ચુકાદાથી ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જ જોખમમાં મુકાઇ ગયું છે.
વર્ષ 2023માં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન પર સ્થાનિક ખેડુતોના કબજાના વિવાદમાં સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને બેઠક માટે પોતાના ઘરે બોલાવેલ તે દરમિયાન માથાકુટ થતા ચૈતર વસાવા તેની પત્ની શકુંતલા વસાવા સહીતના લોકોએ વન કર્મચારીઓને માર માર્યો હતો અને ચૈતર વસાવાએ હવામાં ફાયરીંગ પણ કર્યા હતા.
આ કેસ નર્મદાની ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા અને તેની પત્ની શકુંતલા વસાવા સહીત 8 આરોપીઓને હુમલો, ફરજમાં રૂકાવટ, રાયોટિંગ, આર્મ્સએકટ સહીતના ગુનાઓમાં દોષિત ઠેરવી તમામને સાત-સાત વર્ષની સજા તથા કુલ રૂા.96 હજારનો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા ભોગવવા પણ હુમક કર્યો હતો. સજા પડી છે તેમાં ચૈતર વસાવા, તેની પત્ની શકુંતલાદેવી, ધારાસભ્યના પી.એ. જીતેન્દ્ર વિગેરેનો સમાવેશ થાય છે.
ચૈતર વસાવાને સાત વર્ષની સજા પડતા તેનું ધારાસભ્યપદ જોખમમાં આવી ગયું છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ કોઇ કેસમાં બે વર્ષ કે તેથી વધુ સમયની જેલની સજા પડે તો ધારાસભ્ય પદ રદ થઇ શકે છે અને ભવિષ્યમાં ચુંટણી લડવા માટે પણ ગેરલાયક ઠરી શકે છે. જો કે, ઉપલી કોર્ટમાં અપીલ કરી સ્થાનિક કોર્ટની સજા સામે સ્ટે મેળવવાનો કાનુની રસ્તો બચે છે.
આ સમગ્ર કેસ વર્ષ 2023નો છે. જેમાં ડેડીયાપાડામાં જંગલની જમીન ખેડતા આદિવાસીઓને અટકાવવામાં આવતા ઘર્ષણ થયું હતું. પરિણામે ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના ઘરે વનવિભાગના સ્ટાફ અને ખેડુતોની બેઠક યોજી હતી તે દરમિયાન મામલો બિચકતા વન વિભાગના કર્મચારીઓને માર મારવામાં આવ્યો હતો અને ચૈતર વસાવાએ હવામાં ફાયરીંગ પણ કર્યું હતું.
આ બનાવમાં ફરીયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાના પત્ની શકુંતલાદેવી સહીતના લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જયારે ધારાસભ્ય વસાવા અન્ડરગ્રાઉન્ડ થઇ ગયા હતા. જો કે લાંબી શોધખોળ બાદ ડિસેમ્બર-2023માં પોલીસ સમક્ષ હાજર થતા તેની ધરપકડ કરાઇ હતી અને ત્યારબાદ લાંબો સમય જેલમાં રહ્યા હતા અને જામીન ઉપર છુટયા હતા.
આજે કોર્ટે સજા સંભળાવ્યા બાદ હવે ચૈતર વસાવા ઉપલી કોર્ટમાં સજા સામે સ્ટે માટે અપીલ કરી શકે છે. દરમિયાન આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આ કેસમાં ચૈતર વસાવાને રાજકીય રીતે ફસાવવાનો આરોપ મુકી સજાના હુકમ સામે સુપ્રીમ કોર્ટ સુધી લડવાની જાહેરાત કરી છે.?
કોને કોને સજા પડી
1. ચૈતર દામજીભાઇ વસાવા
2. શકુંતલાબેન વસાવા (ચૈતર વસાવાના પત્ની)
3.બલીરામ કાળુસીંગ વસાવા
4. રીકેશ ફુલસંગ વસાવા
5. મોગરાબેન વસાવા
6. જીતેન્દ્ર નાથાલાલ વસાવા
7. રમેશ નાથાલાલ વસાવા
8. મરીયમબેન વસાવા
