Site icon Gujarat Mirror

રાજકોટવાસીઓને 1 વર્ષમાં 9.13 કરોડનો ટ્રાફિક દંડ

બ્લેક ફિલ્મનું વેંચાણ કરનાર અને હાઇવે ઉપર મીડિયમ ગેપ તોડનાર સામે કાર્યવાહી કરાશે

રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા તેમજ હાઇવે પર વાહન અકસ્માતના કારણો અને પ્રમાણ ઘટાડવા અંગે સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

પોલીસ કમિશનરે સ્કૂલ પીકઅપ વાન અને વાલીઓ દ્વારા શાળાએ મુકવા તથા તેડવા આવે તે સમયે જાહેર માર્ગોના બદલે સ્કૂલ કેમ્પસનો ઉપયોગ કરે તે માટે પોલીસ વિભાગને કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જયારે હાઇવે પર વારંવાર ગેરકાયદે મીડીયમ ગેપ તોડનારા લોકોને શોધી કાઢવા નજીકના પેટ્રોલ પંપ કે હોટેલ ધારકોને સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અથવા તેમની જવાબદારી ફિક્સ કરવા હાઇવે ઓથોરિટીને સૂચના આપી હતી.
કારમાં બ્લેક ફિલ્મ લગાડનાર વાહન ચાલાક વિરુદ્ધ કામગીરી કરવા અને તેના વેચાણકર્તા વિરુદ્ધ ડ્રાઇવ કરવા, રોડ કામગીરી પૂર્ણ થયેલ ચોકમાં ટ્રાફિક સિગ્નલ અને સી.સી.ટી.વી. પુન: કાર્યરત કરવા મહાનગરપાલિકાને પણ બ્રજેશ કુમારે સૂચના આપી હતી.

આ તકે ડી.સી.પી. ટ્રાફિક હરપાલસિંહ જાડેજાએ વર્ષ દરમ્યાન ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી આપી હતી. વર્ષ દરમ્યાન વિભાગ દ્વારા 2,52,028 કેસ અને રૂૂ. 9,13,17,950ની દંડનીય કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવી ફેન્સી નંબર પ્લેટ, સફેદ એલ.ઈ.ડી. વિરુદ્ધ કામગીરી ચાલુ રાખવા તેમજ સિટી બસ પણ જો નિયમો વિરુદ્ધ ચાલશે તો તેમના વિરુદ્ધ પણ કામગીરી કરવા તાકીદ કરી હતી.

બેઠકમાં સેફટી કમિટીના સલાહકાર જે.વી. શાહે ટ્રાફિક સિગ્નલ પર નાના બાળકો અને ભિક્ષુકોને હટાવવા તેમજ બિનજરૂૂરી બેરિકેડને દૂર કરવા, ટ્રાફિક સિગ્નલ નજીક ઉભી રહેતી રીક્ષાઓ દૂર કરાવવા સૂચન કર્યુ હતું. જેનું અમલીકરણ કરવા પોલીસ કમિશનરએ સૂચના આપી હતી. મહાનગરપાલિકના અધિકારી અઢિયાએ શહેરમા ચાલી રહેલા રોડ, સાઈનેજીસ, કર્બ, ક્રેશ બેરીયર વગેરે કામગીરીની વિગત પુરી પાડી હતી.

આર.ટી.ઓ. દ્વારા ટ્રાફિક ડ્રાઈવ અને કરવામાં આવેલા કેસની માહિતી પુરી પાડવામાં આવી હતી આ તકે નાયબ મ્યુનિસિપલ કમિશનર પથિક પટેલ, એ.સી.પી.મુનાફ પઠાણ, વિનાયક પટેલ, વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ, નેશનલ હાઇવે ઓથોરિટી, રૂડા, સ્ટેટ આર.એન્ડ.બી. સિવિલ, એસ.ટી.સહીત વિવિધ વિભાગના અધિકારીઓ, પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Exit mobile version