Site icon Gujarat Mirror

રાજકોટ 41.9 ડિગ્રી સાથે રાજ્યનું ધગધગતું શહેર

ગુજરાત રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ તરફથી રાહતરૂૂપ આગાહી સામે આવી છે. વાસ્તવમાં હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક દિવસોમાં મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે, છતાં 19 અને 20 એપ્રિલના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ સામાન્ય કરતા શહેરોનું તાપમાન 0.8 ડિગ્રી વધ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.4 ડિગ્રી વધારે નોંધાયું.

19 એપ્રિલના દિવસે અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ત્યારબાદ 20 એપ્રિલના રોજ અમરેલી અને ભાવનગર ઉપરાંત તાપી અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ વરસાદ ગરમી વચ્ચે થોડી રાહત લાવશે એવી અપેક્ષા છે. હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આગામી ત્રણ દિવસ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ યથાવત રહેશે. તાપમાનમાં તાત્કાલિક કોઈ મોટા ફેરફારની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે, જે લોકોને થોડું આરામ અપાવશે.

છેલ્લા 24 કલાકના આંકડા અનુસાર, અમદાવાદમાં 40.4 ડિગ્રી, રાજકોટમાં 41.9 ડિગ્રી, વડોદરામાં 39.4 ડિગ્રી, સુરતમાં 34.8 ડિગ્રી, અમરેલીમાં 40.3 ડિગ્રી, ભાવનગરમાં 37 ડિગ્રી, ભુજમાં 39.7 ડિગ્રી, દ્વારકામાં 31.2 ડિગ્રી, ઓખામાં 33.4 ડિગ્રી, પોરબંદરમાં 34.3 ડીગ્રી તાપમાન રહ્યું.

હાલ પવનની દિશા પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ જોવા મળી છે. સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી મણિપુર સુધી ફેલાયેલી ટ્રફ સિસ્ટમના કારણે ગુજરાતના હવામાનમાં આ ફેરફારો જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિઓના કારણે રાજ્યમાં ગરમી વચ્ચે છૂટાછવાયા વરસાદની સ્થિતિ સર્જાઈ રહી છે.

Exit mobile version