Site icon Gujarat Mirror

મોરબી: ઘરકંકાસમાં ગૃહત્યાગ કરનાર મહિલાનું 181 અભયમ ટીમે પતિ સાથે સુખદ મિલન કરાવ્યું

મોરબી શહેરમાં ઘરકંકાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી એક મહિલાને 181 અભયમ ટીમે શોધી કાઢી, તેનું કાઉન્સિલિંગ કરી સલામત રીતે તેના પતિ સાથે મિલન કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.મોરબી સિટી વિસ્તારમાં એક અજાણી મહિલા લાંબા સમયથી એકલી અને અસહાય હાલતમાં બેઠી હોવાની જાણ એક જાગૃત નાગરિક દ્વારા 181 અભય મહિલા હેલ્પલાઇનને કરવામાં આવી હતી.

આ માહિતી મળતા જ અભયમ ટીમના કાઉન્સિલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતીબેન અને પાયલોટ દેવકરણભાઈ ગઢવી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મહિલા કશું બોલવાની સ્થિતિમાં નહોતી અને પૂછપરછ કરવા છતાં કોઈ જવાબ આપતી નહોતી.અભયમ ટીમ દ્વારા મહિલાને શાંત પાડી, વિશ્વાસમાં લઈને સંવેદનશીલતાપૂર્વક કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સિલિંગ દરમિયાન મહિલાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, પતિ સાથે સામાન્ય બોલાચાલી અને રકઝક થતા તેઓ ગુસ્સામાં ઘરેથી નીકળી ગયા હતા.

ટીમ દ્વારા મહિલાને સમજાવવામાં આવી હતી કે આ રીતે ઘરેથી નીકળી જવું જોખમી સાબિત થઈ શકે છે.મહિલાએ આપેલા સરનામે તપાસ કરતા જાણવા મળ્યું કે તેનો પતિ પત્નીના ગુમ થવાથી અત્યંત ચિંતિત હતો અને તેણે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી પણ નોંધાવી હતી. અભયમ ટીમે પતિનું પણ યોગ્ય કાઉન્સિલિંગ કર્યું હતું અને ભવિષ્યમાં પત્નીનું ધ્યાન રાખવા તેમજ ઝઘડા ન કરવા સમજ આપ્યા હતા. સામે પક્ષે મહિલાએ પણ હવે પછી પતિને જાણ કર્યા વગર ઘર ન છોડવાની ખાતરી આપી હતી.અંતે, દંપતી વચ્ચે સમાધાન કરાવી મહિલાને સુરક્ષિત રીતે તેના ઘરે સોંપવામાં આવી હતી. મુશ્કેલ સમયમાં મદદરૂૂપ થવા બદલ અને પત્નીને સહી-સલામત ઘરે પહોંચાડવા બદલ પતિએ 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Exit mobile version