રાજકોટના પોશ વિસ્તાર રોયલ પાર્કમાં રહેતા અને અગાઉ જીનિંગ મિલ ચલાવતા પચાસ વર્ષીય કારખાનેદારે પડધરીના મોટા રામપરા ગામ નજીક નદીના કાંઠે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ગત ગુરુવારથી ગુમ થયેલા પ્રૌઢનો શુક્રવારે સવારે નદી કિનારેથી મૃતદેહ મળી આવ્યો હતો. કારખાનેદાર પ્રજ્ઞેશ લક્ષ્મણભાઈ રૈયાણીના આપઘાત સંદર્ભે પડધરી પોલીસે જણાવ્યું હતું કે, મૃતક પ્રજ્ઞેશભાઈ પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, હું મારી મરજીથી આપઘાત કરું છું, આ બનાવમાં કોઈ વ્યક્તિનો વાંક કે હાથ નથી. પ્રાથમિક દ્રષ્ટિએ ઝેરી દવા પીવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના પોશ વિસ્તારમાં રહેતા, આર્થિક રીતે સક્ષમ અને જેના સંતાનો અમેરિકા જેવા દેશમાં સેટલ હોય તેવા સુખી-સંપન્ન પરિવારના પ્રૌઢે આવું અંતિમ પગલું કેમ ભર્યું? તે મોટો સવાલ છે. આ કેસમાં કઈક અજૂગતું બન્યું હોવાની શંકાઓ સેવાઈ રહી છે. પડધરી જ કેમ પસંદ કર્યું?: રાજકોટથી છેક પડધરીના મોટા રામપરા ગામના નદી કાંઠે, અવાવરું જગ્યાએ જઈને આપઘાત કરવા પાછળનું રહસ્ય શું? માનસિક તણાવ કે બ્લેકમેઇલિંગ?: સ્યુસાઇડ નોટમાં ‘’કોઈનો વાંક નથી” લખ્યું હોવા છતાં, નવો બિઝનેસ શરૂૂ કરવાની તૈયારી કરનાર વ્યક્તિ અચાનક આટલી હદે નિરાશ કેમ થઈ? શું તેમની પર કોઈ ગુપ્ત સામાજિક કે આર્થિક દબાણ હતું? તે પણ તપાસનો વિષય છે.
પડધરી પીઆઇ ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પેન્ડીંગ રખાયો છે. મૃતકના વિસેરા એફએસએલમાં મોકલાયા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ કોઝ ઓફ ડેથ જાણવા મળશે.પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે પ્રજ્ઞેશભાઈ વ્યવસાચે કારખાનેદાર હતા અને અગાઉ તેઓ જીનિંગ મિલ ચલાવતા હતા. કોઈ કારણોસર જીનિંગ મિલ બંધ કર્યા બાદ, તેઓ હવે ટૂંક સમયમાં જ નવો બિઝનેસ શરૂૂ કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા. જોકે નવો વેપાર શરૂૂ થાય તે પહેલાં જ તેમણે મોતની સોડ તાણી લીધી હતી.

