તેઓ કોઈની પચાવી પાડેલી જમીન પાછી અપાવે તો ગીતાબાનું કાલે રાજીનામુ : જયરાજસિંહ જાડેજા

જમીન વિવાદમાં સણસણતો જવાબ, પક્ષ પલ્ટુઓને ‘ચાઈના પ્રોડકટ’ ગણાવી સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પડઘમ વચ્ચે ગોંડલ પંથકમાં રાજકીય વાતાવરણ અત્યંત ગરમાયું છે. એક તરફ ભાજપે…

જમીન વિવાદમાં સણસણતો જવાબ, પક્ષ પલ્ટુઓને ‘ચાઈના પ્રોડકટ’ ગણાવી

સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પડઘમ વચ્ચે ગોંડલ પંથકમાં રાજકીય વાતાવરણ અત્યંત ગરમાયું છે. એક તરફ ભાજપે મોવિયા ગામે વિશાળ સભા યોજીને શક્તિ પ્રદર્શન કર્યું, તો બીજી તરફ કોંગ્રેસે ગોંડલના માંડવી ચોક ખાતે સભા યોજીને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. બંને પક્ષના નેતાઓએ એકબીજા પર ગંભીર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતા ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે.

ગોંડલ તાલુકાના મોવિયા ગામે ’ચોરાના ચોક’ ખાતે ભારતીય જનતા પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં ભાજપના નેતાઓએ વિકાસ અને ખાનદાનીના મુદ્દે વિરોધીઓને ઘેર્યા હતા. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ વિરોધ પક્ષો દ્વારા થતી ’ગુંડાગીરી’ની ટીકાઓને ફગાવી દીધી હતી. તેમણે સભામાં ઉપસ્થિત સરપંચોને સાક્ષી બનાવી પૂછ્યું હતું કે, શું ગ્રાન્ટ માટે ક્યારેય એક રૂૂપિયો માંગવામાં આવ્યો છે? જવાબમાં સરપંચોએ ’ના’ કહી હતી.

જયરાજસિંહ જાડેજાએ ગુંડાગીરીની વ્યાખ્યા સ્પષ્ટ કરતા આકરા શબ્દોમાં કહ્યું હતું કે, કોઈ ગરીબની જમીન પચાવી પાડવી એ અસલી ગુંડાગીરી છે. પ્રજાના હિત માટે લડવું એ મારો ક્ષત્રિય ધર્મ છે અને તેનું મને ગૌરવ છે. જેઓ આજે રાજકારણ કરવા આવ્યા છે, તેઓ કોઈની પચાવી પાડેલી જમીન પાછી અપાવે તો હું કાલની તારીખમાં મારા ધર્મપત્નીને ધારાસભ્ય પદેથી રાજીનામું અપાવી દઈશ.આ સાથે તેમણે પક્ષપલટુઓને ’ચાઈના પ્રોડક્ટ’ ગણાવી કટાક્ષ કર્યો હતો કે, વિરોધ પક્ષના નેતાઓને પોતાના માણસો પર જ વિશ્વાસ નથી, કારણ કે તેઓ ગમે ત્યારે પક્ષ પલટો કરી શકે છે.