રાજકોટમાં રિક્ષા ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં પડધરીના બોડી ઘોડી ગામે રહેતો શ્રમિક યુવાન બે માસ પૂર્વે જન્મેલા પુત્રનો જન્મ તારીખનો દાખલો લેવા રાજકોટ આવતો હતો. ત્યારે કટારીયા ચોકડી પાસે રિક્ષા ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા બાઇક ચાલકનુ મોત નીજપતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરીના બોડી ઘોડી ગામે પરિવાર સાથે ખેત મજૂરી અર્થે આવેલો સુકરામ માનસિંગભાઇ ડામોર નામનો 26 વર્ષનો યુવાન પોતાનુ બાઇક લઇ સવારના પોણા નવેક વાગ્યાના અરસામાં રાજકોટમાં જામનગર રોડ પર કટારીયા ચોકડી પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે રિક્ષા ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા તેનુ મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મુળ મધ્યપ્રદેશનો વતની અને ત્રણ ભાઇ ત્રણ બહેનમાં વચેટ હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
બે મહિના પેહલાજ સુકરામ ડામોરની પત્નીએ રાજકોટ ઝનાના હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. સુકરામ ડામોર પુત્રનો જન્મ તારીખનો દાખલો લેવા રાજકોટ કોર્પોરેશનમાં આવતો હતો. ત્યારે રસ્તામાં જ જીવલેણ અકસ્માત નડ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
