રૂા.17 કરોડની જમીનમાં બોજા નોંધ સામે વાંધા ફગાવતા નાયબ કલેક્ટર
જસદણ તાલુકાના લીલાપુર ગામની કિંમતી ખેતીની જમીન પર વેટ વિભાગ દ્વારા મુકવામાં આવેલા બોજા સામેની ખેડૂતોની અરજી નાયબ કલેક્ટર આર.આર. ખાંભરાએ ફગાવી દીધી છે. આ સાથે જ 17 કરોડથી વધુના સરકારી લ્હેણાંની વસૂલાત માટે જમીન પરની બોજા નોંધને ’પ્રમાણિત’ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
લીલાપુર ગામના સર્વે નંબર 599/2 અને 657 વાળી જમીન કમલેશભાઇ ગોવિંદભાઇ પાનસુરીયા અને રમાગૌરી પાનસુરીયાના સંયુક્ત નામે આવેલી છે. કમલેશભાઇની પેઢી ’મે. અવઘ ટ્રેડીંગ કોર્પોરેશન’ દ્વારા વેટ, વ્યાજ અને પેનલ્ટી પેટે કુલ રૂૂ. 17,04,14,430/- નું સરકારી લ્હેણું બાકી નીકળતું હતું. આ રકમની સુરક્ષા માટે રાજકોટના રાજ્ય વેરા અધિકારીએ મામલતદારને પત્ર લખી જમીન પર ટાંચ (બોજો) દાખલ કરવા જણાવ્યું હતું, જે મુજબ નોંધ નં. 5936 પાડવામાં આવી હતી.
વાંધેદારોએ દલીલ કરી હતી કે આ જમીન સંયુક્ત માલિકીની છે અને માત્ર પુત્રના દેવા માટે માતાની જમીન પર બોજો ન નાખી શકાય. વધુમાં, તેઓએ ગુજરાત જમીન મહેસુલ કોડની કલમ 135(સી)નો હવાલો આપીને જણાવ્યું હતું કે આવા પ્રકારનો બોજો રેવન્યુ રેકર્ડમાં નોંધી શકાય નહીં. તેમજ કમલેશભાઇને આ કેસમાં અગાઉ ક્રિમિનલ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

