‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ નિમિત્તે ભંડોળ એકત્રીકરણમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજકોટ જિલ્લો પ્રથમ સ્થાને

‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ નિમિત્તે ભંડોળ એકત્ર કરવાની કામગીરીમાં રાજકોટ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને ગૌરવવંતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગત વર્ષે નિર્ધારિત રૂૂ.…

‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ નિમિત્તે ભંડોળ એકત્ર કરવાની કામગીરીમાં રાજકોટ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને ગૌરવવંતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગત વર્ષે નિર્ધારિત રૂૂ. 25 લાખના લક્ષ્યાંકની સામે રાજકોટમાંથી રૂૂ. 90 લાખ જેટલી માતબર રકમ એકત્ર થઈ હતી. આમ, રાજકોટ જિલ્લાએ લક્ષ્યાંક કરતાં ત્રણ ગણો વધુ ફાળો એકત્ર કરતા રાજકોટ જિલ્લાની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું હતું.

આ નોંધપાત્ર સફળતામાં તંત્ર અને સમાજના સહિયારા પ્રયાસો જોવા મળ્યા હતા. રૂૂ. 50 હજારથી વધુની રકમનો ફાળો આપનારી કુલ 29 સંસ્થાઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી, જેમાં સરકારી કચેરીઓ તેમજ ખાનગી સંસ્થાઓનો સમાવેશ થાય છે.

જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશ સહિતના મહાનુભાવોના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી કમાન્ડર પવન કુમારે જવાનો અને તેમના પરિવારો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરતી આ કામગીરીમાં યોગદાન આપનારા સૌને બિરદાવ્યા હતા. નોંધનીય છે કે ડો. સુભાષ એકેડમી, જૂનાગઢે સૌથી વધુ રૂૂ. 41 લાખનું દાન આપ્યું હતું તેમજ સરકારી કચેરીઓમાં સૌથી વધુ પોલીસ કમિશ્નરની કચેરીએ રૂૂ. 03 લાખનો ફાળો આપ્યો હતો.